વધુપડતા અને ચોમાસા પછીના વરસાદથી ખરીફ ઉત્પાદન ઘટવાની આશંકા

નવી દિલ્હી, તા. 5 નવે.
મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વધુ પડતા વરસાદ તેમ જ ચોમાસા પછીના વરસાદને કારણે કેટલાક ખરીફ પાકને નુકસાન થવાની સંભાવના છે. જોકે, કૃષિ મંત્રાલયના અધિકારીઓ જણાવે છે કે ડાંગર જેવા પાકમાં વધુ ઊપજને કારણે ખરીફનું એકંદર ઉત્પાદન વધશે.
સોયાબીન, મગફળી, કઠોળ અને કપાસના પાકમાં વૃદ્ધિ તેમ જ લણણીના તબક્કામાં વધુ પડતા વરસાદને કારણે ઊપજ ઘટશે તેમ જ ઉત્પાદનની ગુણવત્તા ઉપર પણ અસર થશે. ઉપરાંત, કાંદા અને ટામેટાં જેવાં બાગાયતી પાક તેમ જ કૉફી અને મરી જેવા બારમાસી પાકને પણ અસર થશે.
મધ્ય પ્રદેશમાં 60 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં ખરીફ પાકને નુકસાની થઈ હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. તે જ રીતે મહારાષ્ટ્રમાં અનધિકૃત પ્રાથમિક અંદાજો મુજબ 13 લાખ હેક્ટર કરતાં વધુ ઊભા પાકને નુકસાન થયું છે. કર્ણાટકમાં નવ લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે અને નુકસાનની આકારણી હજુ ચાલી રહી છે.
સોયાબીન ઓઈલ પ્રોસેસર્સ એસોસિયેશન જેવા વેપાર સંગઠનોએ આ વર્ષે તેલીબિયાંનું ઉત્પાદન 18 ટકા ઘટશે તેવું અનુમાન બાંધ્યું છે, જ્યારે કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયાએ વિવિધ રાજ્યોમાં રૂના પાકને વરસાદની અસર થવાથી પાકનો અંદાજ માંડવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું છે.
કૃષિ મંત્રાલય સોયાબીન અને કઠોળ (મધ્ય ભારતમાં મુખ્યત્વે અડદ)ના પાકમાં નુકસાન થયું હોવાનું જણાવે છે, છતાં માને છે કે ચોખા જેવા અન્ય પાકમાં ઊપજ વધવાને કારણે ખરીફ ઉત્પાદનનું નુકસાન ભરપાઈ થઈ જશે.
કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મધ્ય ભારતમાં સોયાબીન અને અડદનું ઉત્પાદન કરતા મુખ્ય વિસ્તારોમાંથી મળેલા કેટલાક અહેવાલોને બાદ કરતાં ખરીફ ઉત્પાદન વિશે ખૂબ સારા અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને, ડાંગરના પાકને વધુ વરસાદથી ઘણો ફાયદો થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer