ટેકાના ભાવમાં સતત વધારો અને વિશ્વબજારમાં માલ ભરાવો

કૃષિ નિકાસ સામે તોળાતું સંકટ
વર્ષ 2013થી 2019 દરમિયાન સરકારે વિવિધ કૃષિ જણસોના ટેકાના ભાવ 40થી 70 ટકા વધાર્યા છે
નવી દિલ્હી, તા. 5 નવે.
વૈશ્વિક બજારમાં વધુપડતા પુરવઠાને કારણે કૃષિ કૉમોડિટીઝના ભાવ ઘટી રહ્યા છે ત્યારે ભારત સરકારે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સતત ઊંચા જાળવી રાખ્યા છે. આથી, વિશ્વ બજારમાં ભારતીય કૃષિ કૉમોડિટીઝના ભાવ સરેરાશ બજાર ભાવ કરતાં ઘણા ઊંચા પ્રવર્તે છે, જે ભારતની કૃષિ નિકાસ સ્પર્ધાત્મકતા ઘટાડે છે. નાણાંવર્ષ 2013થી 2019 દરમિયાન ભારત સરકારે વિવિધ કૃષિ જણસોના ટેકાના ભાવ 40થી 70 ટકા વધાર્યા છે.
વિશ્વ બેન્કે જાહેર કરેલા છેલ્લા કૉમોડિટી અંદાજો મુજબ કૃષિ જણસોના વૈશ્વિક ભાવ હજુ કેટલોક સમય નબળા રહેશે. કૃષિ જણસોના નિકાસકારો માટે નજીકના ભવિષ્યમાં સ્થિતિ સુધરવાની કોઈ આશા બાંધી શકાય તેમ નથી. આરસેપ જેવી સમજૂતી કૃષિ નિકાસનું ભાવિ વધુ વકરાવશે, કેમકે તેનાથી આયાત માટે દરવાજા મોકળા બનશે.
વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ માર્ચ, 2019માં પૂરા થયેલા નાણાંવર્ષે ભારતે 28.62 અબજ ડૉલરની કૃષિ કૉમોડિટીઝની નિકાસ નોંધાવી હતી. નિકાસમાં તળિયેથી સહેજ સુધારો થયો હોવા છતાં 2014ના નાણાંવર્ષની ટોચ કરતાં હજુ 13 ટકાનો ઘટાડો છે. આ વર્ષે પણ ઘટાડાનું વલણ ચાલુ રહ્યું છે.
એપ્રિલથી સપ્ટેમ્બર, 2019 દરમિયાન ભારતની કૃષિ ઉત્પાદનોની નિકાસ પાછલા વર્ષના 13.79 અબજથી 4.8 ટકા ઘટીને 12.86 અબજ થઈ છે. કૃષિ અને ખાદ્ય ક્ષેત્રના નિષ્ણાત વિજય સરદાનાએ કહ્યું કે મુક્ત અર્થતંત્રમાં તેમ જ સરકાર વિવિધ મુક્ત વેપાર સમજૂતીઓ તેમ જ આરસેપ સમજૂતી વિશે વાટાઘાટો કરી રહી છે, તે સ્થિતિમાં ટેકાના ભાવની ભૂમિકા અર્થહીન બને છે, કેમકે જો આંતરરાષ્ટ્રીય બજાર ભારતના ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ઉત્પાદન ઓફર કરતું હોય તો વેપારીઓ સ્થાનિક ખેડૂત પાસેથી ખરીદી કરવાને બદલે આયાત કરવાનું પસંદ કરશે. આથી, ટેકાના ભાવમાં સતત વધારાને પગલે ભારતની નિકાસ તકો ઘટતી જશે.
મકાઈ અને ઘઉં જેવી કૃષિ જણસોના અનેક ગ્રાહકો હોવાથી દક્ષિણ ભારતમાં તેની આયાત શરૂ થઈ ગઈ છે, કેમકે સ્થાનિક ખેડૂતો પાસેથી તેની ખરીદી મોંઘી પડે છે. જ્યુસ ઉત્પાદકોએ પણ કાચો માલ આયાત કરવાનું શરૂ કર્યું છે. એટલે, સરકારે કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવ નક્કી કરતા પહેલાં આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાન ઉપર લેવા જ પડશે. નહીં તો ગ્રાહકો ઉત્પાદનોની આયાત કરશે અને ખેડૂતોએ બજારમાં ટકી રહેવા નીચા ભાવે માલ વેચવાની ફરજ પડશે. તેનાથી ખેડૂતોની આજીવિકા, હિત અને સ્વાસ્થ્ય ઉપર ફટકો પડશે.
કેર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસ માને છે કે કેટલીક કૉમોડિટીઝને ટેકાના ભાવમાં વધારાને કારણે ફટકો પડશે. વિશ્વ બેન્કે તાજેતરમાં જાહેર કરેલા અંદાજો મુજબ કૉમોડિટીના ભાવ દબાણ હેઠળ રહેશે કેમકે પુરવઠો અનેક વર્ષોની ટોચે છે. મોટા ભાગની કૃષિ જણસોના ભાવ સ્થિર થયા હોય તેમ જણાય છે. ચોખા અને ઘઉં જેવા કેટલાક અનાજનો ખૂબ વધુ પુરવઠો, તેનું ઉત્પાદન કરતા મુખ્ય પ્રદેશોમાં હવામાનની સાનુકૂળ સ્થિતિ, ચાલુ વેપાર તણાવ અને કેટલીક કૉમોડિટીઝની માગ નબળી હોવાને કારણે ભાવ ઉપર દબાણ ચાલુ રહેશે. 
વર્લ્ડ બૅન્કના પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડિરેક્ટર અહ્યાન કોઝે જણાવ્યું કે જો વેપાર તણાવનો ઉકેલ આવશે તો સોયાબીન અને મકાઈ જેવી કેટલીક કૃષિ જણસોના ભાવ સુધરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer