કમોસમી વરસાદથી ખરીફ પાકને ભારે નુકસાન

છ ખેડૂતોની આત્મહત્યા
સત્તાની સાઠમારી વચ્ચે મહારાષ્ટ્રના ખેડૂતોને રૂા. 10 હજાર કરોડની સહાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 નવે.
કમોસમી વરસાદથી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તેલંગણામાં ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદને લઇને થઈ રહેલા સંઘર્ષ વચ્ચે કમોસમી વરસાદથી આશરે 54 લાખ હેક્ટર જમીનમાં ઊભા ખરીફ પાકને થયેલા ભારે નુકસાનથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે અને મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં છ ખેડૂતોએ પાક નાશ પામતાં આત્મહત્યા કરી છે. રાજ્યના 30 જિલ્લાઓમાં ઊભા પાકને આશરે રૂા. પાંચ હજાર કરોડનું નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે વિવિધ જિલ્લાઓમાં પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી છે. સત્તાની સાઠમારી વચ્ચે મુખ્ય પ્રધાને રૂા. 10 હજાર કરોડની સહાય ખેડૂતોને આપવાની ઘોષણા કરી છે. પરંતુ ખેડૂતોને ઘોષણા કરતાં નક્કર કામ થાય અને તેમના સુધી સહાય પહોંચે તેમાં વધારે રસ છે.
પુણેના ખેડૂત શિવાજી પવારની દિવાળી ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. તેમનો કપાસ, સોયાબીન, મકાઈ જેવો ઊભો પાક પાછલાં અનેક સપ્તાહ સુધી પડેલા વરસાદના કારણે ધોવાઈ ગયો છે. હવે તેઓ નવી સરકારની રચના થાય તેની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમને રાહત મંજૂર થઈ શકે.
રાજ્યના નાશિક, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે દ્રાક્ષ અને અન્ય ફળોના પાકને ભારે નુકસાન થયું છે.
ખેડૂતોની માગણી છે કે પાકને થયેલા નુકસાન સામે તત્કાળ સંપૂર્ણ વળતર મંજૂર થવું જોઇએ. સ્વાભિમાની શેતકરી સંગઠનાના નેતા મહેશ ખરાડેએ જણાવ્યું કે પ્રતિ હેક્ટર રૂા. બે લાખનું વળતર સરકારે મંજૂર કરવું જોઇએ.
સરકારી અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા નુકસાનના અંતિમ અંદાજ અનુસાર 54.22 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકને નુકસાન થયું છે. તેમાં 19.73 લાખ હેક્ટરમાં કપાસ, 18.63 લાખ હેક્ટરમાં સોયાબીન અને 4.89 લાખ હેક્ટરમાં મકાઈના પાકને સૌથી વધુ નુકસાન થયું છે.
2.10 લાખ હેક્ટરમાં જુવાર, 2.16 લાખ હેક્ટરમાં બાજરી, 1.18 લાખ હેક્ટરમાં તુવેર અને 1.86 લાખ હેક્ટરમાં શાકભાજીનો ઊભો પાક ભારે વરસાદમાં નાશ પામ્યો છે.
રાજ્યના કોંકણ પ્રાંતમાં 3.67 લાખ હેક્ટર, નાશિકમાં 16.69 લાખ હેક્ટર, પુણેમાં 1.36 લાખ હેક્ટર, ઔરંગાબાદમાં 22.71 લાખ હેક્ટર, અમરાવતીમાં 11.71 લાખ હેક્ટર અને નાગપુરમાં 4.93 લાખ હેક્ટરમાં જમીનમાં ભારે વરસાદથી ખરીફ પાકને નુકસાન થયું છે.
વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રના નુકસાન ગ્રસ્ત વિસ્તારોમાં તારાજીનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની સૂચના મુખ્ય પ્રધાન કાર્યાલયે આપી છે.
વલસાડમાં ડાંગરના પાકને ભારે નુકસાન દરમિયાન, વલસાડમાં આ વર્ષે અતિશય વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લાની મુખ્ય ખેતપેદાશ ડાંગરના પાકની દિવાળીના દિવસોમાં લાગણી સિઝન શરૂ થતી હોય છે. ત્યારે જ આ વર્ષે રોજ અંદાજે એકથી બે ઇંચ જેટલો વરસાદ લાભપંચમ સુધી ચાલુ રહ્યો હોવાથી ડાંગર, શાકભાજી અને શેરડીનાં ખેતરો પાણીથી ભરેલાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer