વૈશ્વિક બજારમાં સુધારા સામે સ્થાનિકમાં નફાતારવણી

નિફ્ટીમાં 24 પૉઇન્ટનો ઘટાડો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 5 નવે.
શૅરબજારમાં સતત સાત સેશનના સળંગ સુધારા પછી ખાનગી બૅન્ક, વાહન અને આઇટી શૅરોમાં નફાતારાણીને લીધે બંને સૂચકાંક ઘટાડે બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે સેન્સેક્ષ 54 પૉઇન્ટ ઘટીને 40248 અને એનએસઈ ખાતે નિફ્ટી 24 પૉઇન્ટ ઘટીને 11917 બંધ રહ્યો હતો.
એશિયન બજારમાં તેજી ચાલુ રહેવા છતાં સ્થાનિકમાં નફાતારવણીથી બજારમાં તંદુરસ્ત કરેક્શન આવવાની સંભાવના છે. સ્થાનિક બજારમાં મીડિયા, ફાર્મા અને મેટલ ક્ષેત્રના અગ્રણી શૅરોમાં વેચવાલીથી ઉપરોક્ત ક્ષેત્રવાર ઇન્ડેક્સ ઘટાડો દર્શાવતા હતા. જોકે, એફએમસીજી ઇન્ડેક્સ સકારાત્મક રહ્યો હતો. વ્યક્તિગત શૅરમાં બજાજ ફાઇનાન્સમાં 2.5 ટકાની તેજીથી શૅરનો ભાવ વિક્રમી રૂા. 4256 થઇને આશરે રૂા. 4230 બંધ રહ્યો હતો. પંજાબ નેશનલ બૅન્ક 5 ટકા ઘટયો હતો. જેના સામે ડાબરમાં વેચાણ વૃદ્ધિ સારી આવતા શૅર 5 ટકા ઊંચે રૂા. 482 ક્વૉટ થયો હતો. બીએસઈ ખાતે મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ 1 ટકા ઘટાડે બંધ હતા.
આજના ઘટાડામાં અગ્રભાગે અલ્ટ્રાટેક 2 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક 2.5 ટકા, ઝી ટેલી 3.2 ટકા, ઇન્ફોસીસ 2 ટકા, ગ્રાસીમ 2 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટિસ્કો 1.5 ટકા, બીપીસીએલ અને એલઍન્ડટી 1 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ નોંધપાત્ર ઘટાડે હતો.
જ્યારે સુધારામાં મુખ્ય યસ બૅન્ક 3.4 ટકા, ભારતી ઇન્ફ્રાટેલ 3.1 ટકા, એસબીઆઈ અને બજાજ અૉટો 1.5 ટકા, હીરો મોટર્સ 0.77 ટકા, ડૉ. રેડ્ડીસ 0.77 ટકા એચયુએલમાં 0.72 ટકા સુધારો મુખ્ય હતો. એનએસઈ ખાતે નિફ્ટીના મુખ્ય 23 શૅરના સુધારા સામે 26ના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ નિફ્ટી 11900થી 11980 વચ્ચેથી પાછો ફરતો રહ્યો હોવાથી બજારમાં વધુ ઊંચાઈ માટે સૂચકાંક 11700-750 વચ્ચેના ઝોન તરફ કરેક્શન દર્શાવી શકે છે.
વૈશ્વિક - એશિયન બજાર
ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડ કરારના સકારાત્મક અહેવાલ પછી એશિયાનાં બજારો છ મહિનાની ઊંચાઈએ ક્વૉટ થયાં હતાં. એશિયાના બજારમાં એસઓડીપી 500 વાયદો 0.2 ટકા વધ્યો હતો. એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.5 ટકા અને જર્મની ખાતે ડેક્સ વાયદો 0.21 ટકા ઊંચે રહ્યો હતો. એફટીએસઈ વાયદો 0.49 ટકા ઉછાળે બંધ હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer