કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ડાંગરના 40 ટકા પાકને નુકસાન

કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ડાંગરના 40 ટકા પાકને નુકસાન
અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટેના સર્વે શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 5 નવે.
એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો થયો છે. રાજ્યભરમાં પડી રહેલાં કમોસમી વરસાદનાં કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરનાં પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ડાંગરનો અંદાજે 40 ટકા ઊભો પાક બગડયો હોવાનો અંદાજ છે. રાજ્ય સરકારે અસરગ્રસ્તોને વળતર ચૂકવવા માટે સર્વે કામગીરી આરંભી છે. 
રાજ્યભરમાં થયેલાં કમોસમી વરસાદનાં કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાનના અહેવાલ છે. રાજ્ય સરકારે આ મામલે સર્તકતા દાખવી વીમો ધરાવતાં ખેડૂતો માટે હેલ્પલાઈન જાહેર કરી નુકસાનના આંકની વિગત લખાવવા અપીલ કરી છે.
 રાજ્ય સરકારે જે જિલ્લા અને તાલુકામાં કમોસમી વરસાદ પડયો છે તેનાં નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આ માટે પાક વીમાવાળા ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. સર્વે બાદ એસડીઆરએફના નિયમ મુજબ વળતર ચૂકવવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન થયેલા ડાંગરના બિનપિયતને હેક્ટર દીઠ રૂા. 6800 અને પિયત પાકને હેક્ટર દીઠ રૂા. 13,800 નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે. 
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ દેલાડ કહે છે કે, દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો મહત્તમ પાક લેવામાં આવે છે. અંદાજે 3 હજારથી વધુ ખેડૂતોને ડાંગરનાં પાકનું મોટું નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જેમાંથી હાલમાં 40 ટકા ઊભો પાક કમોસમી વરસાદનાં કારણે પડી ગયો છે. 83 હજાર હેક્ટરનો પાક બગડી ગયો છે. સરકારે બિનપિયત અને પિયતનાં નુકસાન માટે રકમની જાહેરાત કરી છે તે આવકારદાયક છે. ઉપરાંત જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન પહોંચ્યું છે તેઓને પણ સંપૂર્ણ વળતર મળવું જોઈએ.  
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં જિનોદ ગામનાં ખેડૂત હસમુખ પટેલ પાંચ વિઘામાં ડાંગરની ખેતી કરે છે. તેઓ જણાવે છે કે કમોસમી વરસાદનાં કારણે 30 ટકા ડાંગરનો ઊભો પાક પડી ગયો છે. હજુ પણ વાવાઝોડાંની આગાહીનાં કારણે પાકને નુકસાન જવાનો ભય છે. 
જિલ્લા ખેતીવાડી અધિકારી ગિતેશ ગામિત કહે છે કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીનો પાક સૌથી વધુ લેવાય છે. કમોસમી વરસાદનાં કારણે ડાંગરનાં ઊભા પાકને નુકસાનની અમારી પાસે ફરિયાદો આવી છે. સરકારે જાહેર કરેલાં વળતર મુજબ અમે સર્વેની કામગીરી આરંભી દીધી છે. આજે પણ સમગ્ર દિવસ ખેતરની મુલાકાતો લઈને નુકસાનનો અંદાજ લેવામાં આવી રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer