કમોસમી વરસાદનાં કારણે શેરડીનું પિલાણ 20 દિવસ મોડું પડયું

કમોસમી વરસાદનાં કારણે શેરડીનું પિલાણ 20 દિવસ મોડું પડયું
`મહા' વાવાઝોડાથી વરસાદ પડશે તો પિલાણ 15મીથી પણ મુશ્કેલ
ખ્યાતિ જોશી
સુરત, તા. 5 નવે.
કમોસમી વરસાદનાં કારણે ગુજરાતમાં શેરડીની કાપણી મોડી થઈ છે. સામાન્યત: 20 અૉક્ટોબર આસપાસ ખેડૂતો શેરડીની કાપણી શરૂ કરે છે. દિવાળીનાં તહેવારોનાં શુભ મુહૂર્તમાં મિલો શેરડીનું પિલાણ શરૂ કરે છે. પરંતુ, આ વર્ષે છૂટોછવાયો વરસાદ રહેતાં શેરડીની કાપણી શરૂ થઈ નથી. વળી, મહા વાવાઝોડાંનાં ખતરાને જોતાં આગામી 15મીએ પણ શેરડીની કાપણી શરૂ થવી શક્ય જણાતી નથી.
દક્ષિણ ગુજરાતમાં 12 ખાંડ મિલો છે. અંદાજે 90 લાખ ટન શેરડીનું પિલાણ આ વર્ષે થશે, જેમાંથી 9 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. સહકારી મિલોમાં શેરડીનું પિલાણ અૉક્ટોબર માસમાં શરૂ થઈ જતું હોય છે. સામાન્ય સંજોગોમાં આ દિવસોમાં નવરાત્રિથી દિવાળીનાં તહેવારો આવતાં હોવાથી મિલો શુભ મુહૂર્તમાં પિલાણની કામગીરી શરૂ કરતી હોય છે. ગત સપ્તાહે દક્ષિણ ગુજરાતમાં કમોસમી છૂટોછવાયો વરસાદ પડતાં ખેતરોમાં શેરડીની કાપણી હજુ શરૂ થઈ શકી નથી. 
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનાં જયેશ દેલાડ કહે છે કે, ઓછામાં ઓછી વીસ દિવસ શેરડીની કાપણી મોડી પડી છે, જેનાં કારણે શેરડી પિલાણની પૂરી સિસ્ટમ બગડી છે. પિલાણ લાંબો સમય સુધી ચાલશે. 
કામરેજ સુગર ફેક્ટરીનાં ચૅરમૅન જયેશભાઈ પટેલ કહે છે કે, ગત સપ્તાહે કમોસમી વરસાદ પડતાં અમારા અંદાજ મુજબ 12 થી 15મી નવેમ્બર સુધીમાં પિલાણની કામગીરી શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ, આગામી 48 કલાકમાં મહા વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે ટકરાવવાનું હોવાથી તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વરસાદ પડશે તો હજુ કાપણી એકાદ સપ્તાહ પાછી ઠેલાય તેમ છે. જેનાં કારણે આગામી 20મી સુધી પિલાણ શરૂ થવાની સંભાવના જણાતી નથી. 
તેમણે ઉમેર્યું હતું કે, પિલાણની કામગીરી મોડી પડતાં મજૂર વર્ગને સાચવવાની વ્યવસ્થાનો પ્રશ્ન પેદા થયો છે. હાલમાં મોટાભાગની ફેક્ટરીઓમાં બહારગામથી કામ અર્થે આવતાં મજૂર વર્ગ 15 દિવસથી આવી પહોંચ્યો છે. જેઓનું દૈનિક ભથ્થું અને ભોજનની વ્યવસ્થા ગોઠવવી પડે છે. પિલાણની કામગીરી મોડી પડતાં આ વર્ષે ફેક્ટરીઓને મજૂરોને ચૂકવવામાં થતાં ખર્ચમાં વધારો થશે. તેમ જ વધુ સમય સુધી પિલાણની કામગીરી ચાલશે. કામરેજ સુગર આ વર્ષે 4 લાખ ટન શેરડીનું પિલાણ કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer