કર્ણાટકની નવી ટેક્સ્ટાઈલ પૉલિસીમાં રૂા. 10,000 કરોડનું રોકાણ અને પાંચ લાખ રોજગારનું લક્ષ્ય

કર્ણાટકની નવી ટેક્સ્ટાઈલ પૉલિસીમાં રૂા. 10,000 કરોડનું રોકાણ અને પાંચ લાખ રોજગારનું લક્ષ્ય
બેંગલુરુ, તા. 5 નવે.
કર્ણાટકની `ન્યૂ ટેક્સટાઈલ એન્ડ ગાર્મેન્ટ પોલિસી 2019-2024'નું લક્ષ્ય રૂા. 10,000 કરોડના રોકાણને આકર્ષવાનો અને પાંચ લાખથી પણ વધુ રોજગાર નિર્માણ કરવાનો છે.
કાયદા અને સંસદીય બાબતના પ્રધાન જેસી મધુસ્વામીએ કહ્યું કે, પ્રધાનમંડળે નવી ટેક્સ્ટાઈલ પોલિસી મંજૂર કરી છે. `ન્યૂ ટેક્સટાઈલ એન્ડ ગાર્મેન્ટ પોલિસી 2019-2024' અમુક ફેરફાર સાથે રજૂ કરવામાં આવી છે, જેથી રાજ્યને ટેક્સટાઈલ અને એપરલ ક્ષેત્રનું અગ્રણી સ્થળ બનાવી શકાય.
દેશના કુલ ગાર્મેન્ટ ઉત્પાદનમાં 20 ટકા કર્ણાટકમાં થાય છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં બે તૃતિયાંશ કર્ણાટકમાં થાય છે. મધુસ્વામીએ કહ્યું કે, 2016-17માં કર્ણાટકથી નિકાસ રૂા. 5.48 લાખ કરોડ હતી, જે દેશની કુલ નિકાસમાં 18.78 ટકા છે. કાચા માલના ઉત્પાદનમાં પણ કર્ણાટક અગ્રણી છે. દેશના કુલ મલબરી સિલ્કમાં 49 ટકા હિસ્સો, ઊનમાં 12 ટકા અને કપાસમાં 6 ટકા હિસ્સો ધરાવે છે. સૂચિત પોલિસી માટે આવતા આઠથી નવ વર્ષ માટે રૂા. 2282.86 કરોડનું બજેટ જોઈશે. જ્યારે 2019-2024ના સમયગાળામાં રૂા. 1582.17 કરોડની જરૂરિયાત છે.
નવી પોલિસીમાં ક્ષમતાની સ્થાપના અને વેન્ડર ડેવલપમેન્ટ સહિત ટેકનિકલ ટેક્સટાઈલ સેન્ટર બનાવવાનો સમાવેશ છે. આ પોલિસીમાં સેગમેન્ટના હિસાબે ઈન્સેન્ટિવ આપવામાં આવશે. જેમ કે જિનિંગ, સ્પિનિંગ, વિવિંગ (હેન્ડલૂમ અને પાવરલૂમ), પ્રોસેસિંગ, ઈન્ટીગ્રેટેડ યુનિટ્સ, ગાર્મેન્ટિંગ ફેશન/ ઘરની ખરીદી, ટેક્નિકલ ટેક્સટાઈલ, સિલ્ક અને ઊન.
મેગા યુનિટ્સ માટે સ્પેશિયલ પેકેજનો પણ સમાવેશ છે. ટેક્સટાઈલ યુનિટ્સમાં રૂા. 300 કરોડથી વધુનું રોકાણ અને ન્યૂનતમ 350 રોજગાર અને ગાર્મેન્ટ્સ યુનિટ્સમાં રૂા. 200 કરોડથી વધુનું રોકાણ અને ન્યૂનતમ 3000 રોજગારને મેગા પ્રોજેક્ટ ગણવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer