બૅન્કોને સોનાની લે-વેચ કરવાની છૂટ આપો ડબ્લ્યુજીસી

બૅન્કોને સોનાની લે-વેચ કરવાની છૂટ આપો ડબ્લ્યુજીસી
મુંબઈ, તા. 5 નવે.: 
બૅન્કોને સોનાનું ખરીદ વેચાણ કરવાની છૂટ આપવાનું સૂચન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કર્યું છે. તેનું કહેવું છે કે આમ કરવાથી સોનાના વેપારમાં પારદર્શકતા આવશે.
``ધ નીડ ફોર બુલિયન બૅન્ક ઈન ઈન્ડિયા'' નામના અહેવાલમાં કાઉન્સિલે જણાવ્યું છે કે સાવચેતીનાં પગલાં અને અંકુશો સાથે બૅન્કોને સોના પર આધારિત યોજનાઓ પણ શરૂ કરવા દેવી જોઈએ જેથી ગ્રાહકો સોનામાં રોકાણ કરવા પ્રેરાય.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારત શાખાના મેનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમ પીઆરે કહ્યું હતું કે, બૅન્કો જે સોનું વેચે તે પાછું ખરીદવાની રિઝર્વ બૅન્કે તેમને છૂટ આપવી જોઈએ. ઝવેરીઓ બૅન્ક પાસેથી સોનું લોન પર લે અને સોના વડે જ લોન ભરપાઈ કરે. આમ કરાય તો વિનિમય દરની વધઘટનું જોખમ દૂર થઈ જાય અને ઝવેરાત ઉદ્યોગની ડૉલર માટેની માગ પણ ઘટી જાય.
યોગ્ય પ્રોત્સાહનો અપાય તો બૅન્કો ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમનું સંચાલન કરી શકે અને એ જ સોનું ઝવેરીઓમાં લોન તરીકે ફેરવી શકે જેથી સોનાની આયાત કરી શકાય. એકંદરે બુલિયન બૅન્કો પાંચ મહત્ત્વનાં જોખમો ઘટાડવામાં અથવા નાબૂદ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે: પ્રવાહિતા, વ્યાજદરની વિસંગતિ, ધિરાણ, સોનાના ભાવની વધઘટ અને ખરીદ વેચાણના કામકાજનું જોખમ.
કાઉન્સિલની ભલામણ અનુસાર નિયમો એટલા કરવી સરળ હોવા જોઈએ કે વ્યક્તિગત સહભાગ શક્ય બને એટલા કડક હોવા જોઈએ કે જોખમનું અસરકારક રીતે વ્યવસ્થાપન થઈ શકે.
જોખમ પર મર્યાદા, બહોળું કામકાજ અને યોગ્ય વહીવટી અંકુશોના સંયોજનથી બુલિયન બૅન્ક પોતાના જોખમનું વ્યવસ્થાપન કરી શકે. નિયામકની માર્ગદર્શિકાઓ પ્રારંભથી જ જોખમ ઘટાડવામાં સહાયરૂપ થશે અને સમગ્ર વ્યવસ્થામાં વિશ્વાસ પેદા કરશે.
લંડન અને ન્યૂ યોર્ક સોનાના કામકાજનો લાંબો ઈતિહાસ ધરાવે છે, જ્યારે સિંગાપોર અને શાંઘાઈ છેલ્લાં પંદરેક વર્ષથી ધરખમ ખેલાડીઓ તરીકે બહાર આવ્યા છે. 2017માં વિશ્વમાં બુલિયન બૅન્કિંગમાંથી થયેલી કમાણી આશરે 1.5-1.8 અબજ ડૉલર હોવાનો અંદાજ છે. ઝવેરાતની બીજા ક્રમની સૌથી બજાર તરીકે ભારત પાસે આ ક્ષેત્રે વિશાળ તકો છે. બુલિયન બૅન્કના નિયામક, પ્રવાહિતા પૂરી પાડનાર અને કસ્ટોડિયન તરીકે મધ્યસ્થ બૅન્કે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની હોય છે, એમ સોમસુંદરમે કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer