કાંદા, ટમેટાંના ભાવ આસમાને સરકારી પગલાંમાં વેપારીઓને વિશ્વાસ નથી

કાંદા, ટમેટાંના ભાવ આસમાને સરકારી પગલાંમાં વેપારીઓને વિશ્વાસ નથી
મુંબઈ, તા. 5 નવે.
કાંદા અને ટમેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. સફાળી જાગેલી સરકારે ભાવ પર લગામ ખેંચવા અનેક પગલાં જાહેર કર્યાં છે, પરંતુ સફળ થવા વિશે વેપારીઓને શંકા છે, કારણ કે હાલનો ભાવવધારો મહારાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા વરસાદને આભારી છે, જે ચાલુ રહે તો ખરીફ પાકને નુકસાન પહોંચી શકે તેમ છે.
ગ્રાહક બાબતો વિશેના વિભાગે ગત સપ્તાહે કાંદા અને ટમેટાંના ભાવ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને જથ્થાબંધ બજારોમાં પુરવઠામાં થયેલા વધારા વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. વિભાગે રચેલી આંતર-મંત્રાલય સમિતિએ એવી આશા દર્શાવી હતી કે ટૂંક સમયમાં આ બન્ને ચીજો પોસાણક્ષમ ભાવે મળવા લાગશે.
દિલ્હીમાં ગત સપ્તાહે મળેલી સમિતિની બેઠકમાં કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, નાફેડ, મધર ડેરી, કેન્દ્રીય ભંડાર, દિલ્હી સરકાર, આઝાદપુર એપીએમસી અને ગ્રાહક બાબતો વિશેના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.
``બેઠકમાં એવી માહિતી અપાઈ હતી કે દિવાળીની રજાઓ અને ઉત્પાદક મથકોએ ચાલુ રહેલા અવિરત વરસાદને લીધે પુરવઠો અંશત: ખોરવાઈ ગયો હતો - અને ભાવમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે આવકો વધી રહી હોવાથી જથ્થાબંધ છૂટક ભાવો અંકુશમાં આવી જશે,'' એમ એક પ્રતિનિધિએ કહ્યું હતું.
``કાંદા ઉગાડતા મહત્ત્વના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી તેના પુરવઠામાં વિક્ષેપ પડયો હતો. સામાન્ય રીતે અત્યાર સુધીમાં લાલ કાંદાની આવક શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે હજી સુધી ખેડૂતોએ લાલ કાંદાની કાપણી ચાલુ કરી નથી. ગયા વર્ષનો બાકી સ્ટોક સાવ ઓછો હોવાથી માલની અછત સર્જાઈ હતી. વરસાદ ચાલુ રહેશે તો ભાવ હજી વધશે,'' એમ લાસલગાંવ એપીએમસીના અધ્યક્ષ જયદત્તા હોળકરે કહ્યું હતું.
કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કાંદાની કાપણી ચાલી રહી છે. આંધ્ર પ્રદેશ, તમિળનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ટમેટાં તોડવાનું કામ ચાલુ છે. ટમેટાંની આવકો વધી રહી છે. જોકે, વરસાદને લીધે તેમાં થોડો વિક્ષેપ સર્જાયો છે.
સરકારે મધર ડેરીને દિલ્હીમાં વેચવા માટે સારી જાતના કાંદા ખુલ્લા બજારમાંથી ખરીદવાની સૂચના આપી છે. તે ઉપરાંત ઇજિપ્ત અને નેધરલૅન્ડઝથી કાંદાની આયાત કરાઈ છે જે ટૂંક સમયમાં બજારમાં આવી પહોંચવાની ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer