18 વર્ષ પછી ભારત તાંબાનો ચોખ્ખો આયાતકાર દેશ

18 વર્ષ પછી ભારત તાંબાનો ચોખ્ખો આયાતકાર દેશ
નવી દિલ્હી, તા. 5 નવે.
અઢાર વર્ષમાં પ્રથમ વાર ભારત તાંબાનો ચોખ્ખો આયાતકાર દેશ બન્યો છે. વેદાન્તનો તુતીકોરીન (તમિળનાડુ) ખાતેનો તાંબાનો પ્લાન્ટ બંધ થવાથી તાંબાની આયાતમાં જબ્બર ઉછાળો આવ્યો હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે, એમ કેર રેટિંગ્ઝે જણાવ્યું છે.
``2017-18 સુધી ભારત તાંબાનો ચોખ્ખો નિકાસકાર દેશ હતો, પરંતુ તુતીકોરીન ખાતેનું સ્મેલ્ટર બંધ થતાં તેની નિકાસ ઘટી ગઈ અને આયાત વધી ગઈ. પરિણામે 18 વર્ષ પછી ભારત શુદ્ધ તાંબાનો આયાતકાર દેશ બન્યો છે,'' એમ રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં કહ્યું છે.
2018-19માં ભારતની તાંબાની નિકાસમાં 87.4 ટકાનો ઘટાડો થયો, જ્યારે તેની આયાતમાં 131.2 ટકાનો વધારો થયો. 2018-19માં ભારતે જપાન, કોંગો, સિંગાપોર, ચીલી, ટાન્ઝાનિયા, યુએઈ અને દક્ષિણ આફ્રિકાથી શુદ્ધ તાંબાની આયાત કરી હતી, જ્યારે ચીન, તાઇવાન, મલયેશિયા, દક્ષિણ કોરિયા તથા બંગલાદેશ ખાતે તેની નિકાસ 
કરી હતી.
તાંબાની કુલ નિકાસમાં ચીન ખાતેની નિકાસનો હિસ્સો 2017-18ના 63 ટકાથી વધીને 75 ટકા થયો હતો, જ્યારે આયાતમાં જપાનનો હિસ્સો 68 ટકાથી વધીને 71 ટકા થયો હતો.
દેશમાં તાંબાની ખાણો ઓછી હોવાથી તાંબાની કાચી ધાતુ અને કૉન્સેન્ટ્રેટની 90 ટકા જરૂરિયાત આયાત વડે પૂરી કરવી પડે છે. ગયે વર્ષે તુતીકોરીન પ્લાન્ટની માગ બંધ થવાથી કાચી ધાતુ અને કોન્સેન્ટ્રેટની આયાતોમાં 44.6 ટકાનો ઘટાડો થયો હતો.
ગયે વર્ષે તુતીકોરીન પ્લાન્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. તેમાંથી જાગેલા વિવાદને પગલે તમિળનાડુ સરકારે પ્લાન્ટ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer