સોનાની રોકાણ માગ ઘટીને સાત ટનના તળિયે

સોનાની રોકાણ માગ ઘટીને સાત ટનના તળિયે
મુંબઈ, તા. 5 નવે.
સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી ગ્રાહકોએ માત્ર ઝવેરાતની ખરીદી જ નહીં, સોનાની રોકાણ માટેની ખરીદી પણ ઘટાડી નાખી છે.
સપ્ટેમ્બર માસિકમાં ભારતમાં સોનાની ખપત માત્ર 54 ટકા હતી અને તેમાં પણ રોકાણ માટેની માગ તો માત્ર સાત ટન હતી, જે કોઈ પણ ત્રિમાસિકમાં સૌથી છે, એમ જીએફએમએસનો સપ્ટેમ્બર 2019ના ત્રિમાસિક ગોલ્ડ સર્વે જણાવે છે.
ઝવેરાતની માગ નબળી રહેવાનો અંદાજ હોવાથી ઝવેરીઓએ સોનાની ખરીદી વધારી નહોતી. ઝવેરાત માટે સોનાની માગ માત્ર 62 ટન હતી.
જીએફએમએસના વરિષ્ઠ એનાલિસ્ટ દેબજિત સહાએ જણાવ્યું હતું કે `રોકાણ માટેની સોનાની માગને ભારે ફટકો પડયો હતો. હાલના ઊંચા ભાવે બહુ ઓછા લોકોને સોનામાં રોકાણ કરવામાં રસ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રોકાણ માટેની માગ 74 ટકા ઘટીને માત્ર સાત ટન થઈ ગઈ હતી.'
સર્વે જણાવે છે કે સોનાના ઝવેરાતની સૌથી વધુ માગ લગ્નપ્રસંગ માટે હોય છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભાગ્યે જ લગ્નો થતાં હોવાથી સોનાની માગ ઠંડી હોય છે. તેમ છતાં આટલી નીચી માગ એ ત્રિમાસિકમાં પણ જવલ્લે જ જોવા મળે છે. સિવાય કે કોઈ મોટું કારણ હોય. 2016ના જૂન ત્રિમાસિકમાં આવું જ બન્યું હતું. નવા સહકારી નિયમોને કારણે સોનાની ખપત ઘટીને 74 ટકા થઈ ગઈ હતી.
ઝવેરાતની માગમાં થયેલા ઘટાડાની અસર સોની કારીગરોના રોજગારી પર વરતાવા લાગી છે. સહા કહે છે કે `ઝવેરાત બનાવનારાઓએ ઠંડી માગને કારણે ઉત્પાદન ઘટાડી નાખ્યું હોવાથી ઘણા કારીગરો પાસે કેટલાક મહિનાથી કામ જ નથી. અમારું સર્વેક્ષણ દર્શાવે છે કે આશરે ચાલીસ ટકા કારીગરો બજારમાંથી બહાર ફેંકાઈ ગયા છે અને નાના-મોટાં પરચૂરણ કામો કરીને ગુજરાન ચલાવે છે.'
ઝવેરાતના કારીગરો મોટે ભાગે છૂટક મજૂરો હોય છે જેમને કામદાર સંબંધી કાયદાઓના લાભ મળતા નથી હોતા.
સોનાની આયાત અૉક્ટોબરમાં 33 ટકા ઘટી
સોનાના ઊંચા ભાવને કારણે તહેવારોની ઘરાકી પણ ઠંડી રહેવાથી સોનાની આયાતમાં અૉક્ટોબરમાં સતત ચોથા મહિને પણ ઘટાડો નોંધાયો હતો, સોનાની આયાત અૉક્ટબરમાં 38 ટન હતી, જે એક વર્ષ પહેલાના 57 ટનની સરખામણીમાં 33 ટકાનો ઘટાડો દર્શાવે છે. મૂલ્યની દૃષ્ટિએ જો કે આયાત 1.76 અબજ ડૉલરથી વધીને 1.84 અબજ ડૉલર થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer