કૉટન યાર્નની નિકાસમાં ઘરખમ ઘટાડો

કૉટન યાર્નની નિકાસમાં ઘરખમ ઘટાડો
મુંબઈ, તા. પ નવે.
ગ્રાહકો પોલિસ્ટરભણી વળવાથી સુતરાઉ કાપડની મિલો ભારે મુશ્કેલીમાં આવી પડી છે. 
કૉટન યાર્નની નિકાસમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 38.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોટર્ન ટેક્સ્ટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસિલ)ના આંકડા અનુસાર કોટન યાર્નની નિકાસ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આગલા વર્ષના રૂા. 2.09 અબજ ડૉલરથી ઘટીને 1.28 અબજ ડૉલર થઈ ગઈ હતી. આ વર્ષે કોટન યાર્નની નિકાસ પ્રત્યેક મહિને સતત ઘટતી ગઈ છે. ઘટાડો માત્ર મૂલ્યમાં જ નહીં, જથ્થામાં પણ નોંધાયો છે. એપ્રિલમાં નવ કરોડ કિલો યાર્નની નિકાસ સામે સપ્ટેમ્બરમાં 6.7 કરોડ કિલોની નિકાસ થઈ હતી.
સ્થાનિક માગ મંદ રહેવાથી સુતરાઉ મિલોની મુશ્કેલીમાં વધારો થયો છે. આર્થિક મંદી અને ગ્રામ વિસ્તારોની બેહાલીને કારણે કાપડની સમગ્ર મૂલ્ય શૃંખલામાં આવતી પ્રત્યેક ચીજની માગમાં ઘટાડો જોવાયો છે. 
`કોટન યાર્નની નિકાસ એપ્રિલથી ઘટતી જાય છે, જે ભારે ચિંતાનો વિષય છે. ઘણી સ્પિનિંગ મિલો બંધ પડી જવાને આરે છે. જેને લઈને બેકારી સર્જવાનો ભય છે.' એમ ટેકસપ્રોસિલના અધ્યક્ષ કે વી શ્રીનિવાસને જણાવ્યું હતું.
આની સામે પોલિસ્ટર યાર્ન અને પોલિસ્ટર કાપડ સૂતર અને સુતરાઉ કાપડની સરખામણીમાં ઘણાં સસ્તાં હોવાથી તેમની માગ વધી રહી છે. ઉદ્યોગના સૂત્રોના અંદાજ મુજબ સુતરાઉ કરતાં પૉલિસ્ટર યાર્ન અને કાપડ 40-50 ટકા સસ્તાં પડે છે.
``દુનિયામાં પોલિસ્ટર અને કોટનના મિશ્રણનું પ્રમાણ 60:40 છે. જ્યારે આપણે ત્યાં હજી તે 45:55નું છે, છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રમાણમાં પાંચ વર્ષનો વધારો થયો છે. પોલિસ્ટરની માગ વધતી રહેવાથી તેનો વપરાશ વધતો જશે. એવી ધારણા છે.'' એમ કાપડ ઉદ્યોગનાં અનુભવી અને જાણકાર સૂત્રોનું કહેવું છે.
પોલિસ્ટરની અન્ય ખાસિયતો ઉપરાંત રૂની અછત અને ઉંચા ભાવોએ પણ તેના ફેલાવામાં ભાગ ભજવ્યો છે.
દરમિયાન ટેક્સપ્રોસિલે કોટન મિલોને બંધ પડતી અટકાવવા માટે સરકારને વિનંતી કરી છે. ``કોટન યાર્નને એમઈઆઈએસ હેઠળ નિકાસ પ્રોત્સાહન કે ઈન્ટરેસ્ટ ઈકવલાઈઝેશન સ્કીમનો લાભ અપાતો નથી. વળી કોટન યાર્નના નિકાસકારોને વિવિધ બજારોમાં 3.5 થી 5 ટકા સુધીના જકાત તફાવતને લીધે ગેરલાભ થાય છે.'' એમ શ્રીનિવાસને જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer