વીમાધારકો માટે વાજબી વળતર મેળવવું વધુ મુશ્કેલ બનશે

વીમાધારકો માટે વાજબી વળતર મેળવવું વધુ મુશ્કેલ બનશે
સર્વેયર્સ સંબંધી નિયમોમાં ફેરફાર વીમાધારકોનાં હિતની વિરુદ્ધ  
વીરેન્દ્ર પારેખ  
મુંબઈ, તા. 5 નવે.
 સામાન્ય વીમા અને ખાસ કરીને મોટર વીમાના દાવાઓના ઝડપી નિકાલ માટે વીમા નિયામક સર્વેયરોની નિમણૂક સંબંધી નિયમોમાં ફેરફાર કરવા ધારે છે. જોકે ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે પ્રસ્તાવિત ફેરફારોથી વીમાધારકો માટે તેમની મિલકતને થયેલા નુકસાન બદલ યોગ્ય વળતર મેળવવું મુશ્કેલ બનશે. સર્વેયરોના સંગઠનનું કહેવું છે કે વીમા નિયામક સંસ્થા (ઇન્શ્યોરન્સ ડેવલપમેન્ટ ઍન્ડ રેગ્યુલેટરી અૉથોરિટી -ઇરડા)એ સર્વેયરોની નિમણૂક અને કામગીરીમાં વીમા કંપનીઓ નિયમોને નેવે મૂકીને જે ગેરરીતિઓ આચરે છે તે દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું ઈએ.   

હાલના નિયમો અનુસાર મોટર વીમામાં રૂા. 50,000 અને અન્ય વીમામાં રૂા. 1 લાખથી વધુ રકમના દાવા માટે લાઇસન્સધારી સર્વેયરની નિમણૂક કરવી જરૂરી છે. સર્વેયર કાર, માલસામાન કે પ્રૉપર્ટીને થયેલા નુકસાનનો ક્યાસ કાઢીને પૉલિસીની શરતો અનુસાર કેટલી રકમ ચૂકવી શકાય તેની ભલામણ કરે તેને આધારે વીમા કંપની દાવાની પતાવટ કરે છે. તેનાથી નાની રકમના દાવાઓ કંપનીએ અધિકારીઓ જ પોતાની રીતે તપાસ કરીને પતાવે છે.  
ઇરડા સર્વેયરની નિમણૂક માટે દાવાની રકમ વધારીને મોટર વીમા માટે રૂા. 75,000 અને અન્ય વીમા માટે રૂા. 1.5 લાખ કરવા ઈચ્છે છે. તેનું કહેવું છે કે એમ કરવાથી કંપનીઓ પોતાના અૉફિસરોનો બહેતર ઉપયોગ કરી શકશે અને દાવાઓનો નિકાલ ઝડપી બનશે. આ અને અન્ય પ્રસ્તાવો માટે તેણે હિતધારકો અને જનતા પાસેથી 21 નવેમ્બર સુધીમાં પ્રતિભાવો મગાવ્યા છે.  
અનુભવી સ્વતંત્ર સર્વેયર ભાનુભાઇ મહેતાના મતે પ્રસ્તુત ફેરફાર વીમાધારકોનાં હિતમાં નથી. કંપનીના અધિકારીઓ જ્યારે વીમાધારકને થયેલા નુકસાનની આકારણી કરે ત્યારે તેઓ સ્વતંત્ર સર્વેયર જેટલા તટસ્થ ન રહી શકે. સ્વાભાવિક રીતે જ તેમનું વલણ દાવાની રકમ શક્ય તેટલી ઘટાડવા તરફનું રહેશે. મોટા ભાગના દાવાઓ પ્રસ્તાવિત મર્યાદાની નીચેના હોય છે. એટલી રકમ માટે અદાલતે જવું વીમાધારકને પોસાય નહિ. એટલે તેમને માટે વીમા કંપની જે વળતર અૉફર કરે તે સ્વીકારી લેવા સિવાય બીજો માર્ગ નહીં હોય. આ સંજોગોમાં પ્રસ્તુત ફેરફારથી વીમાધારકો માટે પોતાને થયેલા નુક્સાનનું યોગ્ય વળતર મેળવવું મુશ્કેલ બનશે.   
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્શ્યોરન્સ સર્વેયર્સ ઍન્ડ લોસ એસેસર્સના ડિરેક્ટર સચીન મુળગેએ કહ્યું કે સર્વેયરોની નિમણૂક અને કામગીરીની બાબતમાં હાલ ઘણી ગેરરીતિઓ ચાલે છે તેના પર ઇરડાએ ધ્યાન આપવા જેવું છે. કેટલીક વીમા કંપનીઓ સર્વેયરનું કામ કરતી સબસિડિયરી કંપનીઓ સ્થાપે છે. તેના સર્વેયરો વ્યવહારમાં તો વીમા કંપનીના જ કર્મચારીઓ હોય છે; છતાં તેઓ સ્વતંત્ર સર્વેયર તરીકેનો પાઠ ભજવે છે. કેટલીક કંપનીઓ લાઇસન્સ વગરના અનેક અૉફિસરો પાસે સર્વેયરનું કામ કરાવે છે. તેમનો ઉપરી લાઇસન્સધારી સર્વેયર હોય છે જે આ અધિકારીઓના અહેવાલ પર મતું મારી આપે છે. આમાં પણ વીમાધારકો માટે પોતાના નુક્સાનનું વાજબી વળતર મેળવવું મુશ્કેલ બની જાય છે.  
અગાઉ વીમા કંપનીઓ ડેવલપમેન્ટ અૉફિસરો મારફત ગ્રાહકોને પૉલિસી વેચતી. હવે કાર બનાવતી કંપનીઓ વીમા કંપનીઓ સાથે સાઠગાંઠ કરીને કાર ખરીદનારાઓને પૉલિસી વેચે છે જેના પર એમને તગડું કમિશન મળે છે. કેટલીક કંપનીઓ ગેરેજો સાથે સહયોગ કરીને કૅશલેસ સવલત માટે અન્ય ગેરેજો કરતાં ઘણા ઊંચા દર પડાવે છે. ટૂંકમાં વીમાધારક પોતાનાં હિતના રક્ષણ માટે પ્રીમિયમ ચૂકવે છે તેનાં નાણાં આવી સાઠગાંઠ દ્વારા અન્યત્ર ખેંચાઈ જાય છે. 
મુળગેએ કહ્યું કે વીમાના દાવાની પતાવટ ઝડપથી થાય એ પૂરતું નથી, વીમાધારકને વાજબી વળતર મળે એ વધુ મહત્ત્વનું છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer