વાવાઝોડા સામે અગમચેતી માર્કેટિંગ યાર્ડોએ કપાસ-મગફળીની આવક અટકાવી

વાવાઝોડા સામે અગમચેતી માર્કેટિંગ યાર્ડોએ કપાસ-મગફળીની આવક અટકાવી
મોરબી, ગઢડા, બોટાદમાં રજા - ગોંડલ-રાજકોટમાં કપાસ અને મગફળીને પ્રવેશબંધી : સરકારી ખરીદી 15 નવેમ્બર સુધી બંધ
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 5 નવે.
`મહા' વાવાઝોડાંની અસરથી સૌરાષ્ટ્રમાં આગામી ગુરુ-શુક્રવારે ભારે વરસાદની આગાહી થઇ છે. ખેડૂતો અગાઉના માવઠાંથી વ્યાપક નુક્સાની કપાસ અને મગફળીના પાકમાં કરી ચૂક્યાં છે. ત્યારે દશા વધુ માઠી થાય તેમ છે. ખેતરોમાં પડેલા અને ન નીકળેલા પાકો બગડવા લાગ્યા છે. ખેડૂતોને વધુ નુક્સાન ન જાય તે માટે માર્કેટ યાર્ડોએ કમર કસી છે. સૌરાષ્ટ્રમાં શેડની અપૂરતી સુવિધા ધરાવતા ઘણા યાર્ડોએ હરાજી અટકાવવાનો નિર્ણય લીધો છે. સરકારે ટેકાના ભાવની ખરીદી પણ ગયા અઠવાડિયાથી બંધ કરી છે. તા. 15 નવેમ્બર સુધી ખરીદી થવાની નથી.
રાજકોટ અને ગોંડલ યાર્ડ દ્વારા કપાસ-મગફળીની આવક ગત શનિવારથી અટકાવી દેવામાં આવી છે. મંગળવારે બન્ને ચીજોના પુરવઠા ખૂટી જતા હરાજી થઇ ન હતી. હવે વાવાઝોડાંની અસર ઓલવાઇ જાય એ પછી જ આવક થશે. ગોંડલ યાર્ડમાં મંગળવાર બપોરથી છુટ્ટા પાલની અને ગુણીની આવક નવી જાહેરાત સુધી બંધ કરાઇ છે. કાંદાના પાલની તથા કાંદાની આવક બંધ કરી દેવામાં આવી છે. કપાસની ભારી અને પાલની આવક પણ હવે નહીં થાય.
દરમિયાન મોરબી યાર્ડ તા. 5થી 7 સુધી બંધ રાખવામાં આવ્યું છે. એ જ રીતે ગઢડા યાર્ડ તા. 5થી 11 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બોટાદ યાર્ડ તા. 6 અને 7ના રોજ બંધ રાખવામાં આવ્યું છે. કાલાવાડ યાર્ડ સોમવારથી અચોક્કસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, અચાનક વધુ પડતી રજાઓ જાહેર થઇ ગઇ હોવાનું લાગતા ભારે વિરોધ પછી કપાસ અને મગફળી સિવાયની ચીજોની હરાજી શરૂ કરવામાં આવી હતી. આવતીકાલથી મોસમ વધુ ખરાબ થવાની સંભાવના છે એટલે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડો પણ બંધ રાખવાનો નિર્ણય લઇ શકે છે.
દરમિયાન કેટલફીડના વેપારીઓએ ખોળમાં થતી ભેળસેળ અને ભરતીમાં થતી ઘાલમેલના વિરોધ માટે આયોજન ઘડવા ચોટિલામાં તા. 9મીએ મોટાં પાયા પર બેઠક નક્કી કરવામાં આવી હતી. આ બેઠક વાવાઝોડાંની આગાહીને પગલે રદ્દ કરવામાં આવી છે. બેઠકમાં ગુજરાતભરના તેલ મિલરો, વેપારીઓ, બ્રોકરો, માલધારીઓ અને કિસાનસંઘના આગેવાનો આવવાના હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer