રિયલ્ટી ક્ષેત્રને મંદીમાંથી બહાર લાવવા પૅકેજ આવશે સીતારામન

રિયલ્ટી ક્ષેત્રને મંદીમાંથી બહાર લાવવા પૅકેજ આવશે સીતારામન
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 5 નવે.
 નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે સ્પષ્ટ કર્યુ હતું કે રિયલ્ટી ક્ષેત્રની સમસ્યાઓને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ કામ કરી રહી છે. અર્થતંત્રને ગતિમાન કરવા માટે અત્યાર સુધીમાં જે કઈ રાહતો જાહેર કરવામાં આવી તેમાં રિયલ્ટી ક્ષેત્રનો સમાવેશ થયો નહોતો, એવી કબૂલાત કરતાં સીતારામને કહ્યું કે, રિયલ્ટી ક્ષેત્રને રાહતો નહી મળતા તેની માઠી અસર કોર સેક્ટર્સ ઉપર પડી હતી. એનએસઈના રજત જયંતી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સીતારામન બોલી રહ્યાં હતાં.
રિયલ્ટી ક્ષેત્રમાં મંદ પડેલા કામકાજથી જે લોકોને અસર થઈ છે તેમને મદદ કરવા માટે સરકાર જરૂર પડશે તો ધોરણોમાં સુધારા કરશે અને તે માટે આરબીઆઈ સાથે નિકટતાથી કામ થઈ રહ્યુ છે, એમ તેમણે ઉમેર્યું હતું. 
કેન્દ્ર સરકારે તાજેતરના ભૂતકાળમાં કોર્પોરેટ ટૅક્સમાં ભારે રાહત જાહેર કરી $1.3 લાખ કરોડની મહેસૂલી આવક જતી કરી છે. અત્યાર સુધી કોર્પોરેટ સેક્ટર માટે જે કઈ કામ થયું છે તે પૂરતું નથી. હજી તે દિશામાં ઘણુ કામ બાકી છે. રિયલ્ટી ક્ષેત્રમાં નક્કર પગલાં લેવાયા બાદ તેની સીધી સકારાત્મક અસર શૅરબજાર ઉપર પડશે,એમ તેમણે જણાવ્યું હતું. 
રિયલ્ટી ક્ષેત્રમાં અનેક ફંડ્સ રોકાણ કરવા ઉત્સુક છે પરંતુ તેમને વધુ રાહતોની જરૂર છે, એમ સીતારામને કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer