મહા વાવાઝોડું ગુજરાત તરફ આજે ભારે વરસાદની શક્યતા

મહા વાવાઝોડું ગુજરાત તરફ આજે ભારે વરસાદની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.5 નવે.
મહા વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઇને પાછું ફર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે.વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચે ત્યારે વધારે નબળું પડે તેવી વકી છે. જોકે, વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે તા. 7 અને 8મીના રોજ 115 મિ.મી.થી 204 મિ.મી. વરસાદ થશે. 
હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું છે કે, 6 નવેમ્બરે મધરાતે વાવાઝોડું ગુજરાતના દરિયે દસ્તક દે તેવી સંભાવના છે. 7 નવેમ્બરે વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે દિવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે અથડાશે. આ વાવાઝોડાનો ઘેરાવો વધી રહ્યો છે, જે ગુજરાત માટે જોખમી છે. વાવાઝોડું ઓમાન તરફથી ગુજરાત તરફ ફંટાયું છે. પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દિવથી 770 કિલોમીટર દૂર છે.  જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. 
જયંત સરકારે જણાવ્યું કે, વાવાઝોડાની અસરના પગલે 6 નવેમ્બરે ગુજરાતના જૂનાગઢ, ગીર-સોમનાથ, સંઘ પ્રદેશ દિવ, અમરેલી, બોટાદ, અમદાવાદ, રાજકોટ, ભરૂચ અને આણંદ અને સુરતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 
7મી નવેમ્બરે ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા જિલ્લાનાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8મી નવેમ્બરે વાવાઝોડું એકદમ નબળું પડી જશે. 
વાવાઝોડાની દહેશત વચ્ચે દિવના તમામ બીચ બંધ કરાયા છે. મોજાં દિવના પ્રખ્યાત કિલ્લામાં ઘૂસવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે પુરાતન વિભાગ પણ ઍલર્ટ થયું છે. રાજ્ય સરકારે અગમચેતીનાં પગલારૂપે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત 100થી વધુ ગામને એલર્ટ ઉપર રાખ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer