ડભોઇમાં ખેતરો પાણીથી તરબતર

સ્ટેચ્યુ અૉફ યુનિટી સુધી બનતા રેલમાર્ગને લીધે ગોઠણડૂબ પાણી 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 10 જાન્યુ.
કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારો વચ્ચે સંકલન ન હોવાને લીધે ઘણી વખત સામાન્ય લોકોને આર્થિક નુક્સાન થતું હોય છે. તેનો નમૂનો દભોડી પંથકમાં જોવા મળ્યો છે, ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ડભોઇ પંથકમાં રેલવેનું કામ ચાલુ છે અને એ જ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવેલી છે અને પેટા કેનાલના પાણીને રોકી દેવાયું છે. બીજી તરફ અચાનક જ પાણી વધુ માત્રામાં છોડતાં ખેતરમાં પાણી ઘૂસી ગયાં હતાં. ખેડૂતોનો પાક પાણી પાણી થઇ જતાં ભારે નુક્સાની ગઇ છે એટલે હવે વળતર ચૂકવવા સુધીની માગ બુલંદ બની છે. 
 ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેલમાર્ગનું કામ પુરજોશમાં તો ચાલી રહ્યું છે પરંતુ બીજીબાજુ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂતોને રેલવે તંત્રના કારણે  ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના તુવેર અને દિવેલાના ઊભા પાક પર રેલવેના કોન્ટ્રાક્ટરે અણઘડ વહીવટને કારણે પાણી ફેરવી દીધું  છે. જેને લઇને લાખો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.   ખેડૂતો માવઠાના મારમાંથી હજુ ઊભા નથી ત્યાં બીજી બાજુ તેઓના ઊભા પાક પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ચિંતીત બન્યા છે. 
હબીપુરા ગામના ખેડૂતોને ખેતીમાં બે સિઝન ફેલ થઈ જતાં આર્થિક રીતે તૂટી ગયા છે. સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ રેલવેના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતાં ખેડૂતોમાં રોષ છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer