બોગસ જીએસટી બિલના કૌભાંડી પરેશ ચૌહાણે 72 બોગસ કંપની બનાવી છે !

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 10 જાન્યુ. 
જીએસટીનાં ખોટાં બિલ બનાવીને 1000 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ કરીને ગયા અઠવાડિયે ઝડપાયેલો પરેશ ચૌહાણ માસ્ટર માઈન્ડ નીકળ્યો છે. પરેશે પોતાની એક સાથે 72 જેટલી બોગસ કંપનીઓ બનાવી હતી અને તેના આધારે સરકારને કરોડોનો ચૂનો લગાવી દીધો હતો.  
જીએસટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પરેશને બોગસ બિલ બનાવવા માટે પ્રોત્સાહિત કરનાર તેના પિતા છે. પરેશના પિતા નાથાલાલ ચૌહાણ અને દીકરાએ જીએસટી લાગુ થયો ત્યાર પછી તરત 36 બોગસ કંપની બનાવી લીધી હતી. પિતા પુત્રએ 2017-18માં ડિલક્સ કોર્પોરેશન નામની બોગસ પેઢી બનાવીને તેમાં રૂા.38.92  કરોડનું બોગસ બાલિંગ કૌભાંડ આચર્યું હતું અને તેમાં પકડાઈ ચૂક્યાં હતાં.  
પરેશ ચૌહાણ સંબંધીને ત્યાંથી મળેલા લેપટોપમાંથી કુલ 117 કંપની-પેઢીનાં નામ બહાર આવ્યાં છે. લેપટોપમાં કરેલી બોગસ એન્ટ્રીના આધારે 72 કંપનીનાં નામ સામે આવ્યાં છે. એ બોગસ દેખાય છે. જોકે, 45 કંપની એવી મળી આવી હતી જેના જીએસટી નંબર પણ છે તેની સામે હવે પગલાં લેવાશે તે વાત પાક્કી છે. 
કંપનીની ચેકબુક, સ્ટેમ્પ અને બોગસ ઈન્વોઈસ પણ લેપટોપમાં હતાં. 
ચોંકાવનારી વાત  એ સામે આવી કે બોગસ બિલો મૂકીને પરેશે અંદાજે રૂા.300 કરોડની આઇટીસી ઘરભેગી કરી દીધી હતી. કૌભાંડમાં જીએસટી ઇન્સ્પેક્ટર સહિત અમુક સ્ટાફની સંડોવણી બહાર આવી છે. જીએસટી ઇન્સ્પેક્ટર નરેન્દ્ર મકવાણાની તાજેતરમાં પોરબંદર બદલી કરી દેવામાં આવી છે. 
પરેશ ચૌહાણે 35 લોકોનાં નામ સાથે બોગસ કંપની બનાવી હતી, જેમાં સંજય પનવારના નામે ઝેમ એન્જિનિયરીંગ, સોનુ નાયીના નામે સોનુ ઇન્ડસ્ટ્રી, સંતોષ શર્માના નામે રેતી સેલ્સ, અભય વાળા-ભારત ચૌહાણના નામે એબી ટ્રેકવેલ, કિશોર કાવઠકરના નામે મોસ્કોટ ઇન્ડસ્ટ્રી, ધર્મેન્દ્ર ભંડારીના નામે ઈઓન સર્વિસ, નેપાળ સિંહના નામે ક્વિક સર્વિસ, હાર્દિક જયંતીલાલ પટેલના નામે રાજાની એન્ટરપ્રાઇસ જેવાં નામ છે.  
પરેશ ચૌહાણે  રૂા. 300 કરોડનો ચૂનો લગાવ્યો છે તેને કઈ રીતે વસૂલવા અને સરકારી ખજાનામાં નાખવા તે યક્ષ પ્રશ્ન છે.  
ગુજરાતમાં કુલ મળીને રૂા.18,000 થી 20,000 હજાર કરોડનાં બોગસ બિલ અત્યાર સુધી બની ગયાં છે અને તેની રિકવરી એટલી નથી થઇ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer