ભારતની નવેમ્બરમાં કાળાં મરીની આયાત 33 ટકા ઘટી

વ્યાપાર માટે વિશેષ
મુંબઈ, તા. 10 જાન્યુ.
ભારતની કાળા મરીની આયાત નવેમ્બર 2019માં માત્ર 1400 ટન રહી છે જે 33 ટકાનો ઘટાડો દર્શાવે છે. શ્રીલંકા સરકાર દ્વારા ઓરિજિન સર્ટિફિકેટ જારી કરવામાં કડક વલણ અપનાવતા આ આયાત ઘટી છે. નોંધનિય છે કે વિયેતનામની કાળા મરી ઘણી સસ્તી છે જે અત્યાર સુધી વાયા શ્રીલંકા થઇ ભારતમાં આવતી હતી. 
ભારતીય વેપારીઓ વિયેતનામની કાળા મરીને શ્રીલંકા રૂટથી મગાવતા હતા અને 120 દિવસમાં તેની વેલ્યૂએડિશન કરી ફેર નિકાસ કરતા હતા જેથી કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ મેળવી શકાય. કાળા મરીની આયાત પર 50 ટકા જકાત લાગે છે. અત્યાર સુધી શ્રીલંકા સરકાર સરળતાથી વિયેતનામની કાળા મરીને ઓરિજિન સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેતી હતી, પરંતુ ભારત દ્વારા સતત ફરિયાદ કર્યા બાદ આ મામલે કડક પગલાં લેવાય જેથી અૉક્ટોબર નવેમ્બર બાદ આ આયાતમાં ઘટાડો આવ્યો છે. નોંધનિય છે કે સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ શ્રીલંકા ભારતને 2500 ટન કાળા મરીની જકાત મુક્ત નિકાસ કરી શકે છે, પરંતુ તેનાથી વધારે આયાત કરવા ઉપર માત્ર 8 ટકા જકાત લાગે છે. 
વેપારીઓનું કહેવું છે કે સિઝન લગભગ પૂર્ણ થઇ ચૂકી છે તેમ જ શ્રીલંકાનો આગામી નવો પાક ચાલુ મહિનાના અંતમાં આવશે. ઇન્ટરનેશનલ પીપર કોમ્યુનિટીના મતે શ્રીલંકામાં વર્ષ 2019માં કાળા મરીનું ઉત્પાદન 19360 ટન રહ્યું, જ્યારે વર્ષ 2018માં 20135 ટન પાક થયો હતો. નોંધનિય છે કે, શ્રીલંકાએ ડિસેમ્બરના આરંભમાં ફેર નિકાસ કરવાના ઉદ્દેશ્યથી કાળા મરીની આયાત રોકી દીધી હતી જેના લીધે આગામી દિવસોમાં ભારતમાં કાળા મરીની આયાત હજી ઘટવાની સંભાવના છે. આ પગલાંથી ભારતીય કાળા મરી ઉત્પાદકોને ઘરેલું ભાવમાં ફાયદો મળશે તેમ જ તે આગામી દિવસોમાં 400 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી શકે છે જે હાલના દિવસોમાં 330-340 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer