સોનામાં વેચવાલીથી વધુ ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.10 જાન્યુ.
અઠવાડિયાના આરંભે સોનામાં તેજી સર્જાયા પછી બે દિવસથી નરમાઇનો દોર છે. ગઇકાલે 1 ટકો તૂટયાં પછી સોનું વધુ નરમ પડતા 1550 ડૉલરના સ્તરે પહોંચ્યું હતું. મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ ટળી જતા ફરીથી રોકાણકારો જોખમી એસેટ તરફ વળી ગયા છે. એના લીધે શૅરબજારો બે દિવસથી સુધરી રહ્યા છે.
અમેરિકા ઇરાન ઉપર વધુ હુમલો કરવાનું નથી, પરંતુ આકરાં અંકુશો જરૂર મૂકશે. સ્ટીફન ઇન્સ નામના વિશ્લેષક કહે છે, ડૉલરની તેજી અને ઇક્વિટીમાં સુધારો થવાથી લોકો જોખમી એસેટ ફરીથી પસંદ કરવા લાગ્યાનું દેખાય છે.
અમેરિકાના હાઉસના પ્રતિનિધિઓએ ગુરુવારે ટ્રમ્પ ઇરાન ઉપર વધુ કોઇ લશ્કરી કાર્યવાહી ન કરે તે માટે સંકલ્પ પત્ર પસાર કરાવ્યો હતો. એ કારણે પણ સોનામાં ખરીદી અટકી છે.
બુધવારે સોનું 1600 ડૉલર હતું. ત્યાંથી 50 ડૉલરનો કડાકો સર્જાયો છે. હવે સૌ 15 જાન્યુઆરીની રાહ જોઇ રહ્યા છે કારણકે એ દિવસે પ્રથમ તબક્કાની વેપાર સંધિ વૉશિંગ્ટન અને બિજિંગ વચ્ચે થવાની છે.
દરમિયાન રાજકોટમાં સોનાનો ભાવ 24 કેરેટ શુદ્ધતામાં રૂા.150 વધુ ઘટી રૂા. 40650 અને મુંબઈમાં રૂા. 121 ઘટી રૂા. 39760 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 17.91 ડૉલર હતી. રાજકોટમાં કિલોએ રૂા. 500 તૂટતા રૂા. 46500 અને મુંબઈમાં રૂા. 195 ઘટીને રૂા. 46180 હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer