બાંગ્લાદેશ મહારાષ્ટ્રના જિનર્સ પાસેથી કપાસ આયાત કરશે

પુણે, તા. 10 જાન્યુ.
બાંગ્લાદેશ કોટન એસોસિયેશનનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્રમાં ખાનદેશના જિનિંગ એકમોની મુલાકાતે આવી રહ્યું છે. રાજ્યમાંથી કપાસની આયાતની સંભાવનાઓ તપાસવા માટે તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખાનદેશ જિન/પ્રેસ ફેક્ટરી ઓનર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ પ્રદીપ જૈને જણાવ્યું કે આ મુલાકાતને પગલે ખાનદેશના જિનર્સ બાંગ્લાદેશના વેપારીઓને કપાસની નિકાસ કરે તેવી પ્રબળ સંભાવના છે. ખાનદેશના કોટન જિનર્સ પાસેથી સીધી આયાત બાબતે બાંગ્લાદેશ કોટન એસોસિયેશનના પ્રેસિડેન્ટ સુલતાન રિયાઝ ચૌધરી, પ્રદીપ જૈન સાથે સતત સંપર્કમાં છે.
જૈને ઉમેર્યું કે પ્રતિનિધિમંડળ 12મી જાન્યુઆરીએ ખાનદેશના જિનર્સની મુલાકાત લેશે. એસોસિયેશને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને પણ ખાનદેશ એસોસિયેશન અને બાંગ્લાદેશ કોટન એસોસિયેશન વચ્ચેની ચર્ચાનો ભાગ બનવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
ખાનદેશમાં 100થી વધુ જિનિંગ યુનિટ્સ કાર્યરત છે. આ વિસ્તાર ગુણવત્તાસભર કપાસ માટે મશહૂર છે અને દેશમાં ટપક સિંચાઈ દ્વારા સૌથી વધુ કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ છે. એસોસિયેશન 25 લાખ ગાંસડી કપાસ ઉત્પાદન અને જિનિંગની ક્ષમતા ધરાવે છે. ખાનદેશના કપાસની ભારે માગ રહે છે અને એસોસિયેશન 29 એમએમ, 30એમએમ સ્ટેપલ કોટન, 3.8+ માઈક્રોનિયર, આરડી75 અને ટ્રેશ 3-3.5 ટકા ક્વોલિટીનું વેચાણ કરે છે.
બાંગ્લાદેશ, ભારતથી મોટા પાયે કપાસની ખરીદી કરે છે અને હાલમાં સિઝન જામી હોવાથી બંને એસોસિયેશનોની સીધી વાતચીત માટે પ્રતિનિધિઓને ખાનદેશ આમંત્રવામાં આવ્યા છે. જિનર્સ, બાંગ્લાદેશને બારોબાર નિકાસ કરી શકે તેવા પ્રયત્નો પાછળનું ધ્યેય ખેડૂતોને વધુ સારું વળતર અપાવવાનું તેમજ નિકાસ ક્ષેત્રે પ્રવેશવાનું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer