રિફાઇન્ડ પામતેલની આયાત ઉપર પ્રતિબંધને પગલે

કપાસિયા, સૂર્યમુખી તેલમાં પણ તેજી દેખાશે
રિફાઈનરીઓ ક્ષમતાનો 60 ટકા સુધી વપરાશ કરી શકશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 જાન્યુ.
ખાદ્યતેલ ઉદ્યોગની લાંબા સમયની માગને સરકારે સ્વીકારી લેતા રીફાઇન્ડ પામતેલ અને રીફાઇન્ડ પામોલિનની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો. ડીજીએફટીએ આયાત નીતિમાં સુધારો કરીને ઉક્ત તેલોની આયાત `મુક્ત'માંથી `અંકુશિત' શિર્ષક હેઠળ મૂકી દીધી હતી. હવે કોઇ આયાત કરવા ઇચ્છે તો સરકાર પાસેથી લાઈસન્સ લેવું પડે. સરકારના આ નિર્ણયને પગલે તાત્કાલિક અસરથી પામતેલ અને અન્ય આયાતી-દેશી તેલોના ભાવ ઊછળી જવાની શક્યતા છે. અલબત્ત તે કામ ચલાઉ હશે. દેશની રીફાઇનરીઓને આ નિર્ણયથી ફાયદો પણ થશે તેમ તેલ ઉદ્યોગના અગ્રણીઓએ કહ્યંy હતું.
ભારતમાં વર્ષે 150 લાખ ટન ખાદ્યતેલોની આયાત કરવામાં આવે છે. એમાંથી પામતેલનો હિસ્સો આશરે 90 લાખ ટનનો હોય છે. તેલના અભ્યાસુ વેપારી કહે છે, પામતેલની કુલ આયાતમાં રીફાઇન્ડનો હિસ્સો આશરે 8થી 9 ટકા વચ્ચે છે. એ જોતા આયાત અટકી પડશે. શિયાળાની સિઝનને લીધે હાલ રીફાઇન્ડ આવતું નથી, પણ હવેના સમયમાં માલ લાવી શકાશે નહીં. 
સરકારનાં પગલાની અસરથી પામતેલનો ભાવ સુધર્યો હતો. કંડલામાં બુધવારે રૂા. 852 સવારે હતા તે સાંજે રૂા. 865 પ્રતિ 10 કિલો બોલાતા હતા. તેની અસરે પામતેલના ડબા ય મોંઘા થશે. તેજીનો દોર કદાચ અઠવાડિયા સુધી ચાલી શકે છે. કપાસિયા, સૂર્યમુખી અને મકાઇ જેવા તેલો પામતેલથી પ્રભાવિત થઇને જોરદાર ઉછાળો નોંધાવે તેવી ધારણા છે.
આયાત અંકુશિત કરાતા ઘરઆંગણાની રીફાઇનરીઓને ફાયદો મળવાની પૂરતી શક્યતા છે. તેમણે કહ્યું કે, રીફાઇનરીઓમાં ક્ષમતા પૂરતી છે, પરંતુ ક્ષમતાનો 35થી 40 ટકા જ ઉપયોગ થતો હતો. હવે આવનારા દિવસોમાં 60 ટકા સુધી ક્ષમતા વપરાય તેવી શક્યતા છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા રીફાઇન્ડ તેલોની આયાત ઉપર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆતો પણ કરી હતી.
રીફાઇન્ડ પામની આયાત ઉપર પ્રતિબંધ મૂકવાનું સરકારી કારણ મલયેશિયા સાથે વણસેલા સંબંધોનું બતાવાય છે. અગાઉ કાશ્મીર પ્રશ્ને અને પછી નાગરિકતાના મુદ્દે મલયેશિયન સરકારે ભારત વિરોધી નિવેદનો આપ્યા છે. તેની સજારૂપે આ કદમ ઉઠાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રીફાઇન્ડ પામતેલ અને પામોલિનની આયાત મલયેશિયાથી થાય છે. ક્રૂડ પામતેલની આયાત ઇન્ડોનેશિયાથી કરવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer