વૈશ્વિક ભાવ મજબૂત થતાં કપાસની નિકાસે વેગ પકડયો

બ્રાઝિલ અને અમેરિકા કરતાં ભારતીય કપાસ સસ્તું પડે છે
મુંબઈ, તા. 10 જાન્યુ.
રૂપિયાના ઘસારાને કારણે તેમ જ ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા એશિયાના ગ્રાહકોએ ભારતીય કપાસની ખરીદી વધારી હોવાને પગલે ભારતથી થતી કપાસની નિકાસમાં વેગ જોવા મળી રહ્યો છે. ડીડી કોટનના મૅનેજિંગ ડિરેક્ટર અરુણ સેખસરિયાએ જણાવ્યું કે ભારતથી નિકાસ વધવાને પગલે કપાસના વૈશ્વિક ભાવ ઉપર દબાણ આવશે. વૈશ્વિક બજારોમાં કપાસ આઠ મહિનાના સૌથી ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. ભારતની નિકાસને પગલે ભાવ ઉપર દબાણ આવતા અમેરિકા અને બ્રાઝિલ જેવા મુખ્ય સ્પર્ધકો એશિયાના મહત્ત્વના ગ્રાહકો ગુમાવશે. છેલ્લા પખવાડિયામાં ભારતે ઘણો સારો બિઝનેસ કર્યો છે. તાત્કાલિક નિકાસ માટે ચીને ખરીદી કરી છે.
ભારતે પહેલી અૉક્ટોબરથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષ 2019-20માં અત્યાર સુધીમાં 10 લાખ ગાંસડી કપાસની નિકાસ કરી છે અને વધુ 7 લાખ ગાંસડી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નિકાસ કરવાના પાંચ નિકાસકારો સાથે કરાર કરાયા છે.
હજુ થોડા જ સપ્તાહ અગાઉ, ભારતના વેપારીઓ નિકાસના સોદા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, કેમ કે કેન્દ્ર સરકારે ખેડૂતોને અપાતો કપાસનો ટેકાનો ભાવ વધારતા સ્થાનિક ભાવ, વૈશ્વિક ભાવ કરતાં ઊંચા નોંધાતા હતા. બે વર્ષમાં ભારતે કપાસના ટેકાના ભાવ પ્રતિ 100 કિલો 38 ટકા વધારીને રૂા. 5550 કર્યા છે, પરંતુ વૈશ્વિક ભાવ ફરી ઊંચકાવાને પગલે તેમ જ રૂપિયાના ઘસારાને કારણે ભારતીય કપાસ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બન્યું છે.
બાંગ્લાદેશ અને ચીન કપાસના સક્રિય ગ્રાહકો છે, જ્યારે વિયેતનામ અને ઈન્ડોનેશિયા નાના પાયે ખરીદી કરે છે. જાન્યુઆરીની નિકાસમાં ચીનને ભારતીય કપાસ પ્રતિ પાઉન્ડ આશરે 75 સેન્ટ્સના કોસ્ટ ઍન્ડ ફ્રેઇટ બેઝિસ ઉપર, જ્યારે બાંગ્લાદેશને 76 સેન્ટ્સે વેચવામાં આવ્યું હતું. 2019-20માં સરેરાશ કરતાં સારા ચોમાસાને કારણે વાવેતર વિસ્તાર તેમ જ ઉપજ વધતા ભારતમાં કપાસનું ઉત્પાદન 13.6 ટકા વધીને 3.55 કરોડ ગાંસડી થયું હતું. નવી દિલ્હીના એક નિકાસકારના મતે બાકીની સિઝનમાં પણ જો વૈશ્વિક ભાવ મજબૂત રહે તો  2019-20માં ભારતની નિકાસ 19 ટકા વધીને 50 લાખ ગાંસડી થશે. હાલમાં ભારતીય કપાસ બ્રાઝિલ અને અમેરિકાના કપાસ કરતાં 3થી 4 સેન્ટ્સ સસ્તું છે. જોકે, ભારતીય કપાસનો મોટો ગ્રાહક પાકિસ્તાન, બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે તણાવને કારણે કોઈ ખરીદી કરી રહ્યો નથી. ભારતીય કપાસ પાકિસ્તાની ગ્રાહકોને સસ્તું પડે, પરંતુ તેઓ પાકિસ્તાનની સરકારે લાદેલા પ્રતિબંધોને પગલે ખરીદશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer