નાદારી ધારામાં સરકારના સુધારા સામે ઘર ખરીદનારાઓની

સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
ડિફોલ્ટર એવા બીલ્ડર-ડેવલપરને નાદાર જાહેર કરવા માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં ઘર ખરીદનારાની ઓછામાં ઓછી સંખ્યા 100 અથવા કુલ ખરીદનારાની 10 ટકા હોવી જોઈએ તેવા કાનૂની સુધારાને ગુરગાંવના કેટલાક ઘર ખરીદનારાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સરકારે તાજેતરમાં બૅન્કરપ્સી (આઈબીસી)માં આ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો તેથી ઘર ખરીદનારાનાં હિત જોખમાયાં છે.
સરકારે નાદારી ધારામાં વટહુકમ મારફતે આ સુધારો કર્યો તેના પહેલા જો ડેવલપર-બીલ્ડરને ઘર ખરીદનારે ચૂકવેલા ઓછામાં ઓછા એક લાખ રૂપિયા પરત આપી શક્યો ન હોય તો તેને ફક્ત એક ખરીદનાર પણ નાદાર ઠેરવવા માટે એનસીએલટીમાં ઘસડી જઈ શકતો હતો જે હવે શક્ય રહ્યું નથી.
દિલ્હીની એક કાનૂની ફર્મના પાર્ટનરે કહ્યું કે આ સુધારો ઘર ખરીદનારાઓના હક્કને અર્થહીન બનાવે છે, કારણ કે ડિફોલ્ટર બીલ્ડર-ડેવલપરની વિરુદ્ધ તમામ ગ્રાહકોને સંગઠિત કરવાનું મુશ્કેલ કામ છે.
નોઇડા અને ગુરુગાંવના 11 રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રિટ અરજીમાં આ સુધારાને મનસ્વી ગણાવતાં કહ્યું છે કે વટહુકમ દ્વારા કરવામાં આવેલો આ સુધારો સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને ચાતરી જવા માટે કરવામાં આવ્યો છે.
અદાલતમાં નોંધાયેલી પાંચ ખરીદનારાઓ વતી કરાયેલી અન્ય એક અરજીમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટે ગયા અૉગસ્ટમાં આપેલા એક ચુકાદામાં ઘર ખરીદનારાઓને બીલ્ડરના નાણાકીય લેણદારોની સમકક્ષનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ રહેવાસીઓએ તેમની અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ગયા અૉગસ્ટ માસમાં ઘર ખરીદનારાને નાણાકીય લેણદારોને સમકક્ષ ગણવાના બંધારણીય હક્કને માન્ય ઠરાવતો ચુકાદો આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer