વિદેશના પ્રોત્સાહક અહેવાલોથી શૅરોમાં સુધારો

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 10 જાન્યુ.
વૈશ્વિક શૅરબજારમાં સતત મજબૂતાઈના અહેવાલને લીધે સ્થાનિક બજાર બીજા દિવસે પણ મજબૂત રહ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચેના પ્રાથમિક વેપારી કરાર પર 15 જાન્યુઆરીએ સહીસિક્કા થઈ જવાના અહેવાલો સાથે બ્રિટન દ્વારા બ્રેકિઝટને અલવિદાના સંકેતથી સ્થાનિક બજારમાં અનિશ્ચિતતા હાલ પૂરતી સમાપ્ત થવાના સંકેત મળે છે. તેથી આજે કામકાજ દરમિયાન એનએસઈ ખાતે નિફ્ટી 12311ની ટોચે ગયો હતો. ઊંચા મથાળે નફાતારવણી અને ડિસેમ્બર '19 દરમિયાન કારનું વેચાણ ઘટયું હોવાના સમાચારથી બજારનો સૂચકાંક ઘટવા છતાં સત્રના અંતે 41 પૉઇન્ટ વધીને 12257 બંધ હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 147 પૉઇન્ટના સુધારે 41600 બંધ હતો. આજે બૅન્કિંગ શૅરોમાં નફાતારવણી વચ્ચે ઇન્ફોસીસ, સન ફાર્મા અને અલ્ટ્રાટેકમાં સંગીન સુધારો નોંધાયો હતો.
આજના સુધારામાં નિફટીના 32 શૅરના ભાવ વધવા સામે - 18 શૅર ઘટયા હતા. જોકે, ક્ષેત્રવાર જાહેર અને ખાનગી બૅન્કેક્સ નકારાત્મક રહ્યા હતા. જ્યારે રિયલ્ટી અને મેટલ અનુક્રમે 1.80 અને 1.10 ટકા વધ્યા હતા. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અડધા ટકાના સુધારે હતા. જોકે, સમગ્ર રીતે અંડરટોન સુધારે હતો.
આજના સુધારાની આગેવાની લેતા મુખ્ય શૅરમાં કોલ ઇન્ડિયા રૂા. 7, તાતા મોટર રૂા. 4, મારુતિ રૂા. 103, આયશર મોટર રૂા. 104, બજાજ અૉટો રૂા. 16, કોટક બૅન્ક રૂા. 20, ડૉ. રેડ્ડીસ રૂા. 12, સિપ્લા રૂા. 3, એચડીએફસી બૅન્ક રૂા. 11, અલ્ટ્રાટેકમાં રૂા. 57નો સુધારો મુખ્ય હતો. આજે ઘટનાર શૅરમાં અગ્રણી ઝી રૂા. 9, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 6, બ્રિટાનિયા રૂા. 11, ઇન્ફોસીસ રૂા. 11, બજાજ ફિનસર્વ રૂા. 23 ઘટયા હતા. ઇન્ફોસીસનો 3જા ત્રિમાસિકનો નફો 24 ટકા વધ્યો હતો. જેથી શૅરમાં નવી લેવાલી આવી હતી. જેની સામે પેસેન્જર વાહનનું વેચાણ છેલ્લાં વીસ વર્ષમાં સૌથી નીચા સ્તરે નોંધાયું હોવાથી આજે બપોર પછી આયશર, મારુતિ અને અશોક લેલેન્ડમાં વેચવાલી વધી હતી. યસ બૅન્કમાં ટ્રેડ દરમિયાન 5 ટકા વધઘટ હતી. વ્યક્તિગત શૅરમાં બજાજ ઇલેક્ટ્રિક 10 ટકા સુધર્યો હતો. એનટીપીસી 2 ટકા સુધારે હતો.
આજે ટ્રેડ દરમિયાન નિફ્ટી 12300 વટાવ્યા પછી વેચવાલીના દબાણે 12213 સુધી ઘટવાથી હવે આગામી અઠવાડિયે 12300 અને 12350 મુખ્ય પ્રતિકાર સપાટી ગણાય. 12400 ઉપરની તેજી માટે ઉપરોક્ત સપાટી ઉપરનો બંધ જરૂરી બનશે. જ્યારે 12200 તૂટતા 12100 અને 12050 મુખ્ય નજીકના સપોર્ટ રહે છે. બજાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તરે માહોલ સુધરવાનાં એંધાણ વચ્ચે સ્થાનિકમાં હવે અંદાજપત્ર સુધી બજાર 500 પૉઇન્ટ સુધીની ટૂંકી વધઘટે અથડાવાની સંભાવના પ્રબળ બને છે.
એશિયા-યુરોપનાં બજારો
અમેરિકા-ઇરાન વચ્ચેનો તણાવ ઘટવાથી એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.44 ટકા વધીને વિક્રમી ઊંચાઈ પર પહોંચ્યો હતો. જપાન ખાતે નિક્કી 0.44 ટકા વધ્યો હતો. પાન યુરોપિયન સ્ટોક્સ 600 પણ મજબૂત રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer