સુપ્રીમ કોર્ટ આપે છે બાર દિવસની મહેતલ

સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ બોબડેએ દેશની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જ્યાં સુધી શાંતિ સ્થપાય નહીં ત્યાં સુધી નાગરિકત્વ ધારાની કાયદેસરતાની સમીક્ષાના કેસની સુનાવણી નહીં થાય એમ સ્પષ્ટ કહ્યું છે. આ સુનાવણી બાવીસમી જાન્યુ.થી શરૂ થવાની જાહેરાત અગાઉ થઈ છે તેથી હવે સરકાર અને આંદોલનકારીઓને બાર દિવસની મહેતલ મળી છે એમ જાણવું જોઈએ અને આમાં મુખ્ય જવાબદારી સરકારની નહીં - આંદોલન પાછળ જેના દિમાગ અને હાથ છે એમની છે. બાર દિવસમાં જો આંદોલન શાંત નહીં પડે તો સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપવો પડશે. સુનાવણીમાં વિલંબ પણ થઈ શકે છે. સરકારને સંબંધ છે ત્યાં સુધી - સંસદે પસાર કરેલા ખરડા - કાયદાની કાયદેસરતા જેમણે પડકારી છે એમની જવાબદારી શાંતિ માટે છે. સરકારનું કામ કાયદો- વ્યવસ્થા જાળવવાનું છે અને ચુકાદો આવ્યા પછી પણ જવાબદારી છે.
આંદોલન શાંત કેવી રીતે પડે? વિપક્ષી સંયુક્ત બેઠકમાં એકતાની ચર્ચા કરવા પહેલાં કૉંગ્રેસ કારોબારીની બેઠક બોલાવાઈ છે. જેએનયુમાં વાઈસ ચાન્સેલરને હટાવવાની માગ છે. ફી ઘટાડાની માગ છે. કોઈ પણ સરકાર આ રીતે વાઈસ ચાન્સેલરને હટાવે નહીં - શાંતિમય આંદોલન હોય તો બીજી વાત છે. ભાજપના વરિષ્ઠ પણ દુ:ખી નિરાશ નેતા ડૉ. મુરલી મનોહર જોષી પણ યશવંત સિંહાની જેમ જાહેરમાં આવ્યા છે અને વાઈસ ચાન્સેલરને હટાવવાની માગણી કરી છે. આ દરમિયાન હવે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિધિસર મેદાનમાં આવ્યાં છે. સોમવારે એમણે મિત્ર-વિપક્ષોની બેઠક બોલાવી છે જેમાં મુખ્ય વિપક્ષની જવાબદારી ઉઠાવીને સરકાર સામે કેવી લડત આપવી તેનો નિર્ણય લેવાશે. મહારાષ્ટ્રમાં `નાના ભાઈ' બન્યા પછી હવે દિલ્હીમાં હક જમાવવો જરૂરી છે. પણ આ બેઠકમાં મમતાદીદી નહીં જોડાય - કારણકે કૉંગ્રેસે બંગાળમાં ડાબેરીઓના હાથ પકડીને મમતાને પડકાર્યા છે! આ અગાઉ માયાવતીએ પણ નાગરિકત્વના નામે કૉંગ્રેસ પોતાનું રાજકારણ ખેલે છે એવો આક્ષેપ કર્યો છે.
કૉંગ્રેસને લાગે છે કે અત્યારે અવસર મળ્યો છે. કાશ્મીરમાં સોળ દેશોના એલચી - એમ્બેસેડરોને સ્થિતિ પ્રત્યક્ષ બતાવવા માટે લઈ જવાયા તેનો પણ વિરોધ થયો છે કે પ્રયોજિત ટૂર છે. હકીકતમાં વિપક્ષના નેતાઓ પણ વિદેશી પ્રતિનિધિઓને મળ્યા છે. ઈન્ટરનેટમાં છૂટછાટ અપાય છે - ત્યારે સુપ્રીમ કોર્ટે પણ રાજ્યભરમાં ઈન્ટરનેટની છૂટ આપવા માટે મુદત આપી છે અને સરકાર તે સ્વીકારીને અમલ કરશે તેથી વિપક્ષી પ્રચારને જવાબ મળશે.
રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીમાં `આપ'ના કેજરીવાલને ફરીથી સત્તા મળશે તે લગભગ નક્કી મનાય છે. એમણે ગરીબ-મધ્યમ વર્ગનાં વીજળીનાં બિલ માફ કરવા જેવાં જનકલ્યાણનાં કામ કર્યાં છે. ઉપરાંત રાજધાનીમાં હવે મુસ્લિમ મત પણ કૉંગ્રેસને નહીં - `આપ'ને મળશે તેથી કેજરીવાલ જોશમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer