લીલાં શાકભાજીના ભાવ આસમાને જતાં ઉત્તરાયણ પહેલાં જ ઊંધિયું મોંઘું!

લીલાં શાકભાજીના ભાવ આસમાને જતાં ઉત્તરાયણ પહેલાં જ ઊંધિયું મોંઘું!
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 જાન્યુ.
ઉત્તરાયણનો તહેવાર અને ઊંધિયાને સીધો સંબંધ છે. શિયાળામાં આમ તો ઘેરઘેર ઊંધિયું બને પણ સંક્રાંતના દિવસે ઊંધિયાની માગ વિશેષ હોય છે. આ વર્ષે ભારે વરસાદ પછી લીલાં શાકભાજીના પાકમાં બગાડ થતાં મોંઘા રહ્યા છે પરિણામે ઊંધિયું મોઘું થયું છે. તૈયાર ઊંધિયાના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો છે.
અમદાવાદ અને સુરત સહિત ગુજરાતનાં કેટલાંક શહેરોમાં બે દિવસ ઉત્તરાયણ ઊજવવામાં આવે છે. રાજકોટમાં આ તહેવાર એક દિવસનો હોય છે. ક્યાંક સવારે તો ક્યાંક સાંજે ઊંધિયાની મોજ માણવા લોકો તલપાપડ હોય છે. સુરતનું ઊંધિયું સ્વાદમાં વિશિષ્ઠ હોય છે.
 સુરત પાલનપોર પાટિયા શાકમાર્કેટના વેપારી નંદકિશોર કહે છે કે, સુરતીઓને લીલું ઊંધિયુ પ્રિય છે. કતારગામની પાપડી અને લીલાં લસણથી ભરપૂર ઊંધિયામાં આ વર્ષે લસણનો ભાવ સૌથી વધુ છે. લીલું લસણ ગત વર્ષ કરતાં બમણું થયું છે. ગત વર્ષે પ્રતિ કિલો રૂા. 120થી 130નો ભાવ હતો. આજે લીલા લસણનો ભાવ પ્રતિ કિલો રૂા. 230થી 240 થયો છે. પાપડીનો ભાવ પણ વધ્યો છે. ત્રણ દાણાની પાપડીનો ભાવ ગત વર્ષે પ્રતિકિલો રૂા. 60 હતો આજે રૂા. 80 થી 90 થયો છે. આ જ રીતે દેશી રીંગણનો ભાવમાં પ્રતિ કિલોએ રૂા. 30નો વધારો નોંધાયો છે. 
હાલમાં બજારમાં જૈન અને રેગ્યુલર પ્રકારનાં વિવિધ ફ્લેવરનાં ઊંધિયા બજારમાં મળતાં થયાં છે. પ્રતિ કિલો રૂા. 330થી શરૂ કરીને રૂા. 400 સુધીમાં ઊંધિયું મળે છે. રાજકોટમાં ઊંધિયાનો ભાવ એક કિલોએ રૂા. 200-400 સુધીનો ચાલે છે.
લીલાં શાકભાજીના ભાવમાં વધારો થવાથી તૈયાર ઊંધિયાના ભાવમાં વધારો થયો છે. શહેરના ભટાર રોડના રામદેવજી ફરસાણના પ્રકાશભાઈ પંચાલ જણાવે છે કે, દર વર્ષે ઊંધિયાના વેચાણમાં વધારો થાય છે. આ વર્ષે પણ ઊંધિયાના વેચાણમાં વધારો થશે. પરંતુ, આ વર્ષે લીલાં શાકભાજીના ભાવમાં વધારો હોવાથી ઊંધિયાના ભાવમાં પ્રતિ કિલો રૂા. 35 થી 50 સુધીનો વધારો નાછૂટકે કરવો પડયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer