સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
વરસાદ પછી સફેદ રણ મોડું સર્જાતાં પ્રવાસીઓ ઘટયા
અમારા પ્રતિનિધિ  તરફથી
ભુજ તા.10 જાન્યુ.
પરમિટ લઈને સફેદ રણદર્શન શરૂ થયાને 29થી વધુ દિવસ વીતી ચૂક્યા છે. આ ગાળામાં 1 લાખ 1પ હજાર પ્રવાસીઓ રણનો આ અલભ્ય નઝારો માણી ચૂક્યા છે અને તંત્રની તિજોરીમાં પરમિટ ફીની આવક પેટે 1 કરોડની રકમ જમા થઈ ચૂકી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં અત્યાર સુધીમાં 3પ ટકાનો નોંધપાત્ર  ઘટાડો નોંધાયો છે. 
11 નવેમ્બરથી ભીરંડિયારા અને ધોરડો ખાતે ખાસ ચેકપોસ્ટ કાર્યરત કરી પ્રવાસીઓ પાસેથી રણદર્શન કરવાની ફી વસૂલવાની શરૂ થઈ છે. મળેલી આંકડાકીય વિગતો અનુસાર અત્યાર સુધીમાં પરમિટ મેળવી 1,1પ,3પ9 પ્રવાસીઓ સફેદ રણનો અલભ્ય નઝારો માણી ચૂક્યા છે. તંત્રને પરમિટ પેટે થયેલી આવકની વાત કરીએ તો, ચેકપોસ્ટ પર રૂા.90,33,700 અને કાર્ડ મારફત ઓનલાઈન ચૂકવણું રૂા.9,91,42પ મળી રૂા.1,02,0પ,12પ જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે. 
ગયા વરસે નવેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીના સમયગાળામાં પોણા બે લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા હતા. પ્રવાસીઓની સંખ્યા વધુ હોતાં તંત્રને થયેલી આવકનો આંકડો પણ ઊંચો રહ્યો હતો. 
ચોમાસું લાંબું ચાલ્યું હોવાથી દિવાળી બાદ વરસેલા માવઠાના લીધે રણમાં પાણી ભરાયેલું રહેતાં સફેદ રણનો અસલ નઝારો આ વખતે શરૂઆતના દિવસોમાં માણવા ન મળતાં મોટાભાગના પ્રવાસીઓએ આ સમયગાળામાં આવવાનું ટાળ્યું હતું. 
ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાથી ઠંડીએ પોતાની પક્કડ જમાવવાનું શરૂ કરવા સાથે ઓરિજિનલ સફેદ રણ દેખાવાનું શરૂ થતાં પ્રવાસીઓની સંખ્યા વધવાનું શરૂ થયું હતું. 22થી 26 ડિસેમ્બર એટલે કે નાતાલના પર્વ આસપાસના સમયગાળામાં સર્વાધિક પ્રવાસીઓ રણનું સૌંદર્ય માણવા આવ્યા હતા. આ વર્ષે રણોત્સવને હોળી સુધી લંબાવાયો હોવાથી હવે પછીના સમયગાળામાં આ ઘટ પુરાઈ જાય તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer