ઝવેરાતનું ફરજિયાત હોલમાર્કિંગ

ઝવેરાતનું ફરજિયાત હોલમાર્કિંગ
જાગૃતિનો અભાવ એક સમસ્યા
મુંબઈ, તા. 10 જાન્યુ. 
સોનાનાં આભૂષણો માટે હોલ માર્કિંગ ફરજિયાત બનાવતી  સત્તાવાર યાદી એક-બે અઠવાડિયામાં બહાર પડી જવાની ધારણા છે. ત્યાર પછી એક વર્ષમાં ઝવેરીઓએ આ નવા નિયમનું પાલન કરવાની તૈયારી કરી લેવાની રહેશે. પરંતુ હૉલમાર્કિંગની સફળતા માટે ગ્રાહકોની જાગૃતિ અતિઆવશ્યક હોવાનો અભિપ્રાય ઉદ્યોગના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.
હૉલમાર્કિંગના અમલ અને દેખરેખની જવાબદારી જેને સોંપાઈ છે તે સત્તાવાર સંસ્થા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (બીઆઈએસ) પાસેનાં સંસાધનો મર્યાદિત છે. તેથી ગ્રાહકો આગ્રહ રાખશે તો જ હૉલમાર્કિંગ સફળ થશે એમ તેઓ જણાવે છે. સરકારે નવેમ્બરના અંતમાં સોનાનાં આભૂષણો માટે હૉલમાર્કિંગ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી લીધી હતી.
હાલ કેટલા ઝવેરીઓ કાર્યરત છે અને કેટલાં આભૂષણોનું હૉલમાર્કિંગ થાય છે તેના કોઈ પ્રમાણભૂત આંકડા મળતા નથી. કેટલાંક ઉદ્યોગ સંગઠનો દેશમાં ત્રણથી ચાર લાખ ઝવેરીઓ હોવાનું કહે છે. પરંતુ બજારના જાણકારો અને નીતિ ઘડવૈયાઓ આ આંકડો એક લાખથી પણ ઓછો હોવાનું જણાવે છે. ``અમારા સાવધાનીભર્યા અંદાજ અનુસાર ભારતમાં 1.20 લાખથી 1.5 લાખ ઝવેરીઓ છે'' એમ જીએફએમએસના એનાલિસ્ટ દેબજિત સહા કહે છે. જોકે, સુવર્ણ ઉદ્યોગમાં પારદર્શકતા વધારવા માટે કામ કરી રહેલી કેટલીક સંસ્થાઓ તેમની સંખ્યા 80,000થી 1,00,000 હોવાનો અંદાજ મૂકે છે. તેમના મતે ઘણા શાહુકારો અને કારીગરો પોતાને ઝવેરી ગણાવે છે, પણ વાસ્તવમાં તેઓ ઝવેરી નથી. બીઆઈએસ પાસે હૉલમાર્કિંગ કરેલાં આભૂષણો વેચનારા માત્ર 26019 ઝવેરીઓ નોંધાયેલા છે. હોલમાર્કિંગ શુદ્ધતાની ખાતરી આપે છે, પણ ગ્રાહકોમાં જાગૃતિનો અભાવ છે, એમ જાણકારો કહે છે.
``અમારા અભ્યાસમાં જણાયું છે કે નાનાં શહેરો કે ગ્રામવિસ્તારોમાં હૉલમાર્કિંગ ધરાવતાં આભૂષણો ભાગ્યે જ વેચાય છે. ઘણા ગ્રાહકો આ પદ્ધતિથી અજાણ હોય છે. કેટલાક ઝવેરીઓ હૉલમાર્કિંગનો દાવો કરે છે પણ હલકી શુદ્ધતાનાં ઘરેણાં પધરાવીને ગ્રાહકોને છેતરે છે. ઘણા ઝવેરીઓ 22 કૅરેટનાં (91.6 ટકા શુદ્ધતાવાળાં) કહીને જે આભૂષણો વેચે છે તે વાસ્તવમાં 19-20 કૅરેટનાં જ હોય છે.''એમ દેબજિત સહાએ કહ્યું હતું. દક્ષિણ ભારતમાં ગ્રાહકો હૉલમાર્કિંગ વિશે વધુ જાગૃત હોવાથી ત્યાં પરિસ્થિતિ ઘણી બહેતર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગ્રાહક બાબતો વિશેના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આશરે 40 ટકા આભૂષણોનું હૉલમાર્કિંગ થાય છે. 2018-19માં 450 લાખ દાગીનાનું હૉલમાર્કિંગ કરાયું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગયા વર્ષે કરાવેલા એક સર્વેક્ષણમાં જણાયું હતું કે, ભારતમાં તેમ જ અન્ય દેશોમાં ઝવેરીઓ પ્રત્યેનો અવિશ્વાસ અને નકલી અથવા હલકાં આભૂષણોના ભય ગ્રાહકોને નિરુત્સાહ કરાનારાં સૌથી મોટાં કારણો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer