હીરાની નિકાસને લાગ્યું મંદી અને કસ્ટમ્સની કડકાઈનું ગ્રહણ

હીરાની નિકાસને લાગ્યું મંદી અને કસ્ટમ્સની કડકાઈનું ગ્રહણ
એપ્રિલ-નવેમ્બરમાં પોલીશ્ડ હીરાની નિકાસ 19 ટકા ઘટી
મુંબઈ, તા. 10 જાન્યુ.
હીરા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય મંદી, બૅન્કો અને કસ્ટમ ખાતાની કડકાઈ અને ગ્રાહકોની બદલાતી પસંદનું ગ્રહણ લાગ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના (એપ્રિલ-નવેમ્બર 2019) દરમિયાન તૈયાર હીરાની નિકાસમાં વર્ષાનુવર્ષ 19.4 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. તેને લીધે રત્નો અને આભૂષણોની એકંદર નિકાસ પણ 5.8 ટકા ઘટીને 25.5 અબજ ડોલર થઈ ગઈ છે. 
તૈયાર હીરા અને રંગીન રત્નોની નિકાસ સરેરાશ કરતાં પણ ઓછી રહી હતી, જ્યારે સોના અને ચાંદીનાં આભૂષણો તથા કૃત્રિમ હીરાની નિકાસમાં વધારો જોવાયો હતો.
ઉદ્યોગનાં સૂત્રોના કહેવા મુજબ મોટા ગ્રાહક દેશોમાં પ્રવર્તતી મંદી, બૅન્કોનો સાવચેત અભિગમ અને કાચા હીરાની આયાત પ્રત્યે કસ્ટમ ખાતાની કડકાઈ હીરા ઉદ્યોગ માટે સૌથી મોટા અવરોધરૂપ છે.
યુવાન પેઢીનું હીરા પ્રત્યે બદલાતું વલણ અને લેબોરેટરીમાં પેદા કરાતા કૃત્રિમ હીરાની વધતી જતી લોકપ્રિયતા પણ હીરાની નિકાસ ઘટવા માટે જવાબદાર લેખાય છે. એપ્રિલ-નવેમ્બર 2019 દરમિયાન તૈયાર હીરાની નિકાસ વર્ષાનુવર્ષ 19.40 ટકા ઘટીને 13.27 અબજ ડોલર થઈ ગઈ હતી. રંગીન નંગોની નિકાસ 20.73 ટકા ઘટીને 26.3 કરોડ ડોલર થઈ હતી.
એપ્રિલ મહિનાથી કસ્ટમ ખાતાએ ત્રણ મહિનામાં ત્રણ યાદીઓ બહાર પાડી હતી જેને લીધે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને નિકાસને ફટકો પડયો હતો. જૂનની યાદી જકાત ભર્યા વગર આયાત કરવાની સવલતનો ગેરલાભ ઉઠાવવા વિશે હતું. મે મહિનામાં કસ્ટમ ખાતાએ કાચા હીરાની આયાત અને નિકાસનું મૂલ્ય ખોટું દર્શાવાયું હોવાની શંકા પરથી નિકાસકારો પાસે અનેક પ્રકારની માહિતી માગી હતી. મે મહિનાની યાદી બાદ ઘણાં સપ્તાહો સુધી કાચા હીરાના આયાતકારો પોતાનો માલ છોડાવી શક્યા ન હતા. આ બધી બાબતોની અસર નિકાસ પર પડી છે.
સોનાની આયાત 5.3 ટકાના સાધારણ સુધારા સાથે 8.66 અબજ ડોલરની રહી છે. સરકારની કડક નીતિઓ અને નિકાસકારોને સેવાઓ પૂરી પાડતી સ્કોટિયા બૅન્ક બંધ થવાથી આભૂષણોની નિકાસ ઠીંગરાઈ ગઈ હતી. કસ્ટમ ખાતાએ આયાત જકાતની ચુકવણીની તપાસ કરવા માટે બધા સપ્લાયરો અને ગ્રાહકોની વિગતો માગતાં ડયૂટી ડ્રોબેક મળવામાં વિલંબ થવાથી નિકાસકારોની મુશ્કેલી વધી હતી.
ચીન-અમેરિકા વેપારયુદ્ધને પગલે ઘણી વિદેશી કંપનીઓ ચીન છોડવા તૈયાર હોવા છતાં ભારત તેનો લાભ લઈ શક્યું નથી, કારણ કે નિકાસલક્ષી ઝોન માટેના ભારતના નિયમો તેમને માફક આવે તેવા નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer