પાવરલૂમ પરનો જીએસટી દર જાળવી રાખીને રિફંડ ઝડપી બનાવવાનું સૂચન

પાવરલૂમ પરનો જીએસટી દર જાળવી રાખીને રિફંડ ઝડપી બનાવવાનું સૂચન
કેન્દ્રની ટેક્સ્ટાઈલ નીતિ પૂર્વે કાપડ ઉદ્યોગકારો સાથે સંવાદ કરાયો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 જાન્યુ.
કેન્દ્રીય ટૅક્સ્ટાઈલ નીતિ-2020 જાહેર કરવામાં આવે તે પહેલાં દિલ્હી ખાતે ટેક્સટાઇલ મંત્રાલયની દેશભરનાં ટેક્સટાઈલ અગ્રણી સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી. ફીઆસ્વીએ પાવરલૂમ ક્ષેત્ર પરના જીએસટીના દરને યથાવત્ રાખી રિફંડની પ્રક્રિયા ઝડપી હાથ ધરાઈ તેવું સૂચન કરાયું હતું. એ સિવાય પણ અનેક સૂચનો કરાયાં હતાં. તેનો ફાઈનલ ડ્રાફ્ટમાં સમાવેશ કરાશે તેવી ખાતરી મળી છે. 
ફીઆસ્વીએ યાર્ન પર લાગતી ઍન્ટિ-ડમ્પિંગ ડયુટી રદ કરવા, પાવરલૂમ ક્ષેત્રને વધુ ફંડ આપવા, વિદેશથી આવતી ટેક્સટાઈલ મશીનરી પર શૂન્ય કસ્ટમ ડયૂટી લાદવામાં આવે, નાના વિવર્સ તેમજ ડાઈંગનાં એકમોને જીપીસીબીમાં નડતી સમસ્યાઓને દૂર કરવા કેન્દ્રો શરૂ કરવાં, નાના એકમોના સોલાર પાવર માટે કિલોવોટની મર્યાદાને દૂર કરવાની માગ કરાઈ છે.
વત્ર મંત્રાલય દ્વારા ટેકસટાઈલ પોલિસી-20ના પ્રથમ ડ્રાફ્ટમાં ફીઆસ્વીની ઘણી ખરી માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. 
નોંધવું કે, આગામી 25મીએ ફીઆસ્વીની વાર્ષિક સભા યોજાશે, જેમાં કેન્દ્રીય ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપૂર ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ટેક્સટાઈલ પોલિસી જાહેર થાય તે અગાઉ શહેરભરના કાપડઉદ્યોગકારો સાથે રવિ કપૂર ચર્ચા કરી શકે છે.
દિલ્હી ખાતે મળેલી બેઠકમાં નીટીંગ, વિવિંગ, સ્પિનિંગ અને પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનાં વિવિધ સૂચનોને સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. વત્રમંત્રાલય દ્વારા ટેક્સટાઈલ પોલિસી જાહેર કરતાં પહેલાં ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો. આ ડ્રાફ્ટ કાપડઉદ્યોગના આગેવાનો સમક્ષ રજૂ કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer