આયાતી કાંદાના માલભરાવાની સરકારને ચિંતા

આયાતી કાંદાના માલભરાવાની સરકારને ચિંતા
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
થોડાક દિવસોથી કાંદાના રિટેલ ભાવ ઘટવાની શરૂઆત થવાની સાથે જ આસામ, કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઓડિસા જેવાં રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ કરેલી એકત્રિત 16,000 ટન કાંદાની અતિરિક્ત માગ પાછી ખેંચી લીધી છે. તેથી હવે કાંદાના આયાતી માલ ભરાવાની ચિંતા સરકારને સતાવી રહી છે. કાંદાની અતિરિક્ત માગના પુરવઠા માટે 12,000 ટનની આયાત થઈ ગઈ છે. તે જોખમમાં મુકાઈ છે જ્યારે 25,000 ટનથી વધુની આયાત આ મહિનાના અંત સુધીમાં આવી પહોંચશે.
પાંચ રાજ્યોએ આયાતી કાંદાનો પુરવઠો નહીં સ્વીકારતાં કૅબિનેટ સેક્રેટરીએ મંગળવારે તે રાજ્યો સાથે તાકિદની બેઠક બોલાવી હતી, અને તેમને મુંબઈની ડિલિવરી ખર્ચ મુજબ કિલો દીઠ રૂા. 49-58ના ભાવે તેમને આપવા જણાવ્યું હતું.
જોકે, ગ્રાહકોના નબળા ઉપાડને લીધે આ પાંચ રાજ્યોમાંથી કોઇપણ રાજ્યો આયાતી કાંદાને ખરીદવા તૈયાર થયાં નહોતાં. કેન્દ્ર સરકારને આશા છે કે તેઓ કાંદાનો પુરવઠો બગડી જાય તે પહેલાં ઉપાડ કરશે એમ સૂત્રોએ કહ્યું હતું.
છેલ્લા બે મહિનાથી દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં કાંદાનો પ્રતિ કિલો ભાવ રૂા. 100 જેવો હતો તે હવે નવો પાક તેમ જ આયાતી કાંદાનો પુરવઠો આવવાથી ઘટવો શરૂ થયો છે.
દિલ્હીમાં મંગળવારે કિલોદીઠ ભાવ રૂા. 70 બોલાતા હતા જે 15 દિવસ અગાઉ રૂા. 118 હતા જ્યારે મુંબઈમાં કાંદાના ભાવ રૂા. 120થી ઘટીને રૂા. 70થી 80 બોલાય છે એમ સરકારી અહેવાલમાં જણાવાયું છે.
તુર્કી અને અફઘાનિસ્તાનમાંથી અમે અત્યાર સુધીમાં 12,000 ટન કાંદાની આયાત કરી છે એમ ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું.
કાંદાનો સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવ વધારાને અંકુશમાં રાખવા સરકાર હસ્તકની કંપની એમએમટીસી દ્વારા સરકારે કાંદાની આયાત કરી છે.
કેન્દ્ર સરકાર દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળમાં 1000 ટન કાંદાનું વેચાણ કરી શકશે. એમ તેમણે જણાવ્યું હતું. કાંદાનો ખરીફ પાક 25 ટકા ઘટવાથી ભાવ ઊંચકાયા હતા.
સપ્ટેમ્બર-અૉક્ટોબરમાં કમોસમી વરસાદ થવાથી ખરીફ પાકનું વાવેતર વિલંબાવાથી હાલ કાંદામાં ભાવ વધારો થયો હોવાનું પાસવાને કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer