આ વર્ષે ઘઉં, ચણા અને જીરું પુષ્કળ પાકશે

આ વર્ષે ઘઉં, ચણા અને જીરું પુષ્કળ પાકશે
વાવેતર ત્રણ વર્ષની સરેરાશથી 21 ટકા ઊંચું 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 જાન્યુ.
ગુજરાતમાં શિયાળુ વાવેતરનો આંક ઐતિહાસિક થઇ ગયો છે. અગાઉના વર્ષની તુલનાએ 35 ટકાના તીવ્ર વધારા સાથે 37.97 લાખ હેક્ટર વિસ્તાર કૃષિ વિભાગે નોંધ્યો છે. ઠંડીનો પારો નીચે છે અને પાણીની પારાયણ નથી એટલે છૂટાછવાયા વાવેતર હજુ ચાલુ છે. પરિણામે કુલ વાવેતર 40 લાખ હેક્ટર સુધી પણ પહોંચી શકે તેમ કૃષિ ખાતું જણાવે છે. પાછલા વર્ષમાં કુલ વાવેતર 28 લાખ હેક્ટર થયું હતું. 
સામાન્ય વર્ષોમાં 30-32 લાખ હેક્ટર કરતા વાવણી વધતી નથી. આ વખતે સ્થિતિ અલગ છે. પાણીની છત અને મોસમના સાથને લીધે ખેડૂતો હજુ વાવેતર કરી રહ્યા છે. અલબત્ત હવે વાવણીનું 95 ટકા કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે. કપાસ કાઢતા ખાલી પડેલી જગ્યામાં ઘઉં અને ચણાના વાવેતર ચાલુ છે. પાછલા સપ્તાહમાં એ કારણે વાવણી અઢી લાખ હેક્ટર વધી ચૂકી છે. એમાં ઘઉં અને ચણાનો સિંહફાળો રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા વાવેતરના આંકડાઓ પ્રમાણે ચણાનું વાવેતર પાછલા ત્રણ વર્ષની સરેરાશ કરતા 70 ટકા ઊંચકાયું છે. ઘઉંનું 39 ટકા જેટલું ઊંચકાયું છે. મકાઇનું 22 ટકા, જીરુંનું 40, ધાણાનું 11, વરિયાળીનું 5 અને ડુંગળીનું 2 ટકા વધારે વાવેતર થયું છે. રવી પાકોનું કુલ વાવેતર 21 ટકા વધારે નોંધાયું છે.
ખેડૂતો કહે છે, પાણીની તંગી છેવટ સુધી સર્જાય એમ નથી, કારણ કે તમામ જળાશયોમાં છલોછલ છે. આ વખતે ઠંડી વિલંબ વિના પડી છે એટલે જળ વપરાશ ઓછો થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઇ શક્યું છે એટલે પાકને લાભ છે. ઠંડીને લીધે પાકની સ્થિતિ ઘણી સારી છે તેવું ખેડૂતોનું કહેવું છે. જોકે, આ વર્ષે મોડાં વાવેતરને લીધે નવી આવક થવામાં વિલંબ પડશે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં થતી શિયાળુ આવક માર્ચના બીજા અઠવાડિયામાં દેખાય તેવી ધારણા છે. 
મોસમ અનુકૂળ રહે તો પાક ઉત્પાદન પણ બમ્પર રહેશે, સરવાળે ખેડૂતોને અતિ વરસાદ તથા માવઠાંને લીધે ખરીફ પાકોમાં થયેલું નુક્સાન સરભર થઇ જાય તેમ છે

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer