ભારત અને ચીન વચ્ચે ચોખાનું યુદ્ધ !

ભારત અને ચીન વચ્ચે ચોખાનું યુદ્ધ !
મુંબઈ, તા. 10 જાન્યુ.
ચીન, ચોખાનો ગ્રાહક મટીને વિક્રેતા બન્યો છે અને વિશ્વમાં ચોખાના સૌથી મોટા નિકાસકાર ભારત સામે નવો સ્પર્ધક ઊભરી આવ્યો છે. ભારત દ્વારા કરાતી ચોખાની નિકાસ માટે કેન્દ્ર સરકારના અધિકારીઓથી માંડીને ચોખાના મિલર્સ ઉપર ચીનની બાજ નજર મંડાયેલી છે. સામાન્ય રીતે ભારતના નિકાસ બજાર ગણાતા આફ્રિકામાં, ચીન મોટા પાયે ચોખા ઠાલવી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં ચીને સરકારી ગોદામોમાંથી 30 લાખ ટન સફેદ ચોખા બજારમાં મૂક્યા છે. આમાંનો મોટા ભાગનો જથો આફ્રિકાના દેશોને નિકાસ કરાયો છે. ઉત્તરાખંડના ચોખાના નિકાસકાર લક્ષ્ય અગ્રવાલે જણાવ્યું કે ભારત બાસમતિ સિવાયના ચોખાની ટન દીઠ 400 ડોલરના ભાવે નિકાસ કરે છે, પરંતુ ચીન નોંધપાત્ર રીતે નીચા ભાવ ઓફર કરે છે. અનેક દાયકાઓથી થાઈલેન્ડ, વિયેતનામ અને પાકિસ્તાન પછી ભારત, ચોખાનો સૌથી મોટો નિકાસકાર રહ્યો છે. ચોખાની નિકાસ માટે ભારતે ટોચના દેશોમાં સ્થાન જાળવી રાખ્યું હોવા છતાં 2019 (એપ્રિલથી નવેમ્બર)માં તેની બાસમતિ સિવાયના ચોખાની નિકાસ ઘટી છે. પાછલા વર્ષના સમાન ગાળામાં ભારતે બાસમતિ સિવાયના ચોખાની રૂા. 15,059.51 કરોડની નિકાસ સામે 2019માં રૂા. 9018.34 કરોડની નિકાસ નોંધાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer