યુરોપિયન યુનિયન, અૉસ્ટ્રેલિયા, કૅનેડા સાથે મુક્ત વ્યાપાર કરાર કરવાથી

યુરોપિયન યુનિયન, અૉસ્ટ્રેલિયા, કૅનેડા સાથે મુક્ત વ્યાપાર કરાર કરવાથી
ટૅક્સ્ટાઇલ નિકાસને વેગ મળશે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
યુરોપિયન યુનિયન, અૉસ્ટ્રેલિયા, યુ.કે., કૅનેડા જોડે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) કરવાથી ટૅક્સટાઇલ્સ નિકાસ નોંધપાત્ર વધી શકશે, એમ એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઈપીસી)ના ચેરમેન એ. શક્તિવેલએ જણાવ્યું હતું.
અત્યારે ભારતીય ટૅક્સટાઇલ નિકાસકારોએ આ દેશોમાં 10 ટકા કસ્ટમ ડયૂટી ચૂકવવી પડે છે. જો મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ) થાય તો આ ડયૂટી નોંધપાત્ર ઘટી જશે અથવા નાબૂદ થઈ જશે.
ભારતની કુલ ટૅક્સટાઇલ નિકાસમાં યુરોપિયન યુનિયનનો હિસ્સો 45 ટકા છે, જ્યારે કૅનેડા અને અૉસ્ટ્રેલિયાનો હિસ્સો માત્ર 2થી 3 ટકા છે.
ભારતે અૉસ્ટ્રેલિયા અને કૅનેડા જોડે આ અંગે વાટાઘાટો ક્યારની ચાલુ કરી દીધી છે, પણ તે અતિ ધીમી ગતિએ ચાલે છે. યુરોપિયન યુનિયન જોડેની વાટાઘાટ મે 2013થી અટકેલી પડી છે. બન્ને દેશો વાટાઘાટો ફરી શરૂ કરવા મથી રહ્યા છે.
ભારતની વત્રોની નિકાસ સામે મુખ્ય હરીફાઈ બાંગ્લાદેશ, વિયેટનામ, કમ્બોડિયાની છે.
ભારતની એપરલ નિકાસ 17 અબજ યુએસ ડૉલરની છે. આની સામે ટચુકડા બાંગ્લાદેશની એપરલ નિકાસ 38 અબજ ડૉલરની, વિયેટનામની 27 અબજ ડૉલરની અને કમ્બોડિયાની 12 અબજ ડૉલરની છે.
ટૅક્સટાઇલ ક્ષેત્રમાં સીધી રીતે 360 લાખ લોકો અને આડકતરી રીતે 180 લાખ લોકો રોજગારી રળી રહ્યા છે.
નિકાસ વધે અને નાણાકીય પ્રવાહિતા સરળ બને એવા પ્રોત્સાહન પગલાંઓ આગામી બજેટમાં જાહેર કરવાની માગણી શક્તિવેલએ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer