ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં અનોખો ટ્રેન્ડ ઘટતી નિકાસ, વધતી આયાત

ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં અનોખો ટ્રેન્ડ ઘટતી નિકાસ, વધતી આયાત
એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
દેશના ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટના વેપારમાં અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં નિકાસ ઘટી રહી છે જ્યારે આયાતમાં વધારો થઈ રહ્યો છે.
નિકાસ ઘટવા પાછળનાં અનેક કારણો છે, જેમાં વૈશ્વિક માગમાં ઘટાડો, વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા ભારતીય ઉત્પાદકોની અક્ષમતા, અસંગઠિત ક્ષેત્ર ઉપર નોટબંધી અને જીએસટીની થયેલી વિપરીત અસર જેવા વિવિધ કારણોનો સમાવેશ થાય છે.
દેશમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રની કરોડરજ્જુ અસંગઠિત ક્ષેત્રના એકમો ગણાય છે, તેથી તેમને આયાત વધારવાની ફરજ પડી છે. વીવર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ, ટેક્સ્ચ્યુરાઇઝર્સ અને ગાર્મેન્ટ એકમો દ્વારા આયાત વધી છે.
ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ્સની આયાત નાણાં વર્ષ 2014માં 13 ટકા હતી, તે આ નાણાં વર્ષના પહેલા આઠ માસમાં વધીને વિક્રમી 25 ટકા સુધી પહોંચી છે. તેમાં એપ્રિલથી નવેમ્બર 2019 સુધી મળેલી દેશની કુલ આયાતમાં 1.7 ટકા જેટલો માતબર હિસ્સો ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ્સનો છે.
બીજી તરફ શ્રમિકલક્ષી આ સેક્ટર દ્વારા નિકાસ સતત ઘટી રહી છે. નાણાં વર્ષ 2016માં ટેક્સ્ટાઇલ - ગાર્મેન્ટ્સ ક્ષેત્રની નિકાસ જે 13.7 ટકા હતી, તે આ નાણાં વર્ષના નવેમ્બર સુધીમાં ઘટીને 10.27 ટકા થઈ છે.
એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ્સ આયાત વધીને 18.6 ટકા વાર્ષિક ધોરણે રહી હતી જ્યારે નિકાસ 7.9 ટકા ઘટીને 21.7 અબજ ડૉલરની થઈ હતી.
મહત્ત્વની બાબત એ છે કે, કોટન ફેબ્રિક અને મેઇડ અપ્સની આયાત વાર્ષિક ધોરણે 13.7 ટકા વધી 39.6 કરોડ ડૉલરની થઈ હતી.
આનો અર્થ એ થયો કે વર્ષ 2016માં ગાર્મેન્ટ્સ નિકાસકારો માટે જાહેર કરવામાં આવેલા રૂા. 6600 કરોડની કોઈ અસર આ ક્ષેત્રને ઉપર ઉઠાવવામાં થઈ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer