સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના ચૅરમૅનપદે પુનર્સ્થાપિત કરતા અૉર્ડર સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના ચૅરમૅનપદે પુનર્સ્થાપિત કરતા અૉર્ડર સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
અદાલતને ટ્રિબ્યુનલના અૉર્ડરમાં ઘણી ખામીઓ દેખાઈ  
એજન્સીસ  
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે પુનર્સ્થાપિત કરતાં નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)ના  ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્ટે ઓર્ડર આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે ટ્રિબ્યુનલના ઓર્ડરમાં ખામીઓ હતી. 
ચીફ જસ્ટિસ એસ એ બોબડે,  જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે કહ્યું હતું કે ટ્રિબ્યુનલના ઓર્ડરમાં પાયાની ભૂલો છે અને અમારે મામલો વિગતવાર સાંભળવો પડશે. બેન્ચે સાયરસ મિસ્ત્રીને પૂછ્યું હતું કે તમે ઘણા સમયથી હોદ્દાથી દૂર રહ્યા તેને લીધે તમને કેવી પીડા થઇ છે. 
પિટિશનમાં મિસ્ત્રીને પુનર્સ્થાપિત કરવાની કોઈ માગણી ન હોવા છતાં ટ્રિબ્યુનલે એ પ્રમાણેનો ઓર્ડર આપ્યો હતો, એવું નિરીક્ષણ બેન્ચે કર્યું હતું. 
એનસીએલએટીએ 18 ડિસેમ્બરે તેનો ચુકાદો આપ્યો હતો, જેની સામે તાતા સન્સે પડકાર ફેંક્યો હતો.     ચાર સપ્તાહ પછી આ બાબતની વધુ સુનાવણી થશે. 
કંપનીમાં લઘુમતી શૅર હોલ્ડરોના શૅરને બહાર કાઢવા માટે તાતા કંપની લૉના આર્ટિકલ 25નો ઉપયોગ કરશે નહિ, એવો અૉર્ડર સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો.  
એનસીએલએટીના ઓર્ડરને સ્થગિત કરવાને બદલે નોટિસ જારી કરવી જોઈએ અને તાતાને બે સપ્તાહમાં જવાબ આપવાનું કહેવું જોઈએ, એવી રજૂઆત સાયરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વતી ઉપસ્થિત રહેલા સિનિયર એડવોકેટ સી એ સુન્દરમે કરી હતી. 
પણ બેન્ચે કહ્યું હતું કે ટ્રિબ્યુનલના ઓર્ડર વિશે અમારી પહેલી છાપ સારી નથી. ટ્રિબ્યુનલે એવો ચુકાદો આપ્યો છે જેની માગણી જ કરવામાં આવી નહોતી.  
વચગાળાની વ્યવસ્થા અંગે એક નોંધ મૂકવાની વિનંતી મિસ્ત્રી તરફથી કરવામાં આવી હતી પણ બેન્ચે તેને ફગાવી દીધી હતી. 
મિસ્ત્રી તરફથી સિનિયર એડવોકેટ એન કે કૌલ ઉપસ્થિત હતા, જ્યારે સિનિયર એડવોકેટ શ્યામ દીવાન મિસ્ત્રીની તરફેણ કરતા શૅરહોલ્ડરો વતી હાજર હતા.  
સુન્દરમે કહ્યું હતું કે તે મિસ્ત્રીને પુનર્સ્થાપિત કરવાની માગણી નથી કરતા, પણ તાતામાંથી મિસ્ત્રીને ખોટી રીતે બહાર કઢાયા તેની સામે છે.  
તાતા વતી સિનિયર એડવોકેટ એ એમ સિંઘવી, હરીશ સાલ્વે, મુકુલ રોહતગી અને મોહન પરસારણ ઉપસ્થિત હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer