ઇન્ફોસીસની આવક આ વર્ષે 10-10.5 ટકા વધવાનું ગાઇડન્સ

ઇન્ફોસીસની આવક આ વર્ષે 10-10.5 ટકા વધવાનું ગાઇડન્સ
ડિસે. '19 ત્રિમાસિકની આવકમાં 7.9 ટકા, નફો 23.5 ટકાની વૃદ્ધિ
એજન્સીસ
બેંગ્લુરુ, તા. 10 જાન્યુ.
અગ્રણી આઈટી કંપની ઇન્ફોસીસ લિ.એ ડિસેમ્બર 2019માં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકના નફામાં 23.5 ટકાનો અને આવકમાં 7.9 ટકાની વૃદ્ધિ મેળવીને બજાર અને એનલિસ્ટ્સની અપેક્ષાથી પણ સારી કામગીરી આજે રજૂ કરી હતી.
ઇન્ફોસીસની આવક ડિસેમ્બર ત્રિમાસિકમાં વધીને રૂા. 23,092 કરોડ અને નફો રૂા. 4457 કરોડનો થયો હતો.
આ સાથે કંપનીએ આ વર્ષ 2019-20 માટેનો તેનો આવકનો અંદાજ ચલણનું મૂલ્ય સ્થિર રહેશે તેવી ધારણાએ 10-10.5 ટકા વધાર્યો હતો.
ઇન્ફોસીસનો નફો વીતેલા ત્રિમાસિકમાં આગલા ત્રિમાસિકની સરખામણીએ 10.9 ટકા વધ્યો હતો.
આ પરિણામોની જાહેરાત પૂર્વે જ બજારમાં શૅરનો ભાવ 1.5 ટકા વધ્યો હતો. કંપનીની ઓડિટ કમિટીને સીઈઓ સલિલ પારેખ દ્વારા કોઈ નાણાકીય ગેરરીતિ થઈ નહીં હોવાનું પ્રમાણિત કર્યું છે અને કંપની સારાં પરિણામો આપશે તેની ધારણાએ શૅરનો ભાવ વધ્યો હતો. પરિણામોની જાહેરાત પછી શૅર કુલ 1.47 ટકા વધીને રૂા. 738.25 થયો હતો.
ઇન્ફોસીસના અધ્યક્ષ નંદન નિલકેણીએ અૉડિટ કમિટીના અહેવાલ પ્રતિ ભારે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે પારેખ અને સીએફઓ નિલાંજન રોય કંપનીના સક્ષમ રખેવાળો છે અને તેઓ કંપનીનો સમૃદ્ધ વારસો જાળવી રાખશે. ઇન્ફોસીસે ડિસેમ્બર '19 ત્રિમાસિકમાં 84 નવા ક્લાયન્ટ મેળવ્યા હતા.
ડૉલરના સંદર્ભમાં કંપનીની આવક ડિસેમ્બર ત્રિમાસિકમાં 324.30 કરોડ ડૉલરની થઈ હતી, જે વાર્ષિક ધોરણે 8.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ પરિણામો વિશે પારેખે કહ્યું કે કંપનીના ગ્રાહકોને પણ ડિજિટલ રૂપાંતરની પ્રક્રિયામાં સહભાગી બની રહ્યા છે તે આ પરિણામો સૂચવે છે. સીએફઓ પ્રવીણ રાવે કહ્યું કે કંપની છોડી જતાં કર્મચારીઓની સંખ્યા ઘટી છે, કારણ કે આ કંપનીની સાથે જોડાઈને ભાગ્યનું ઘડતર થઈ શકશે એ વાત તેમને સમજાઈ રહી છે.
ડિસેમ્બરના અંતે કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 2,43,454 હતી. એક ત્રિમાસિકમાં 6968 નવા કર્મચારીઓની ભરતી થઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer