ત્રણ માસ બાદ નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 1.8 ટકા વધ્યું

ત્રણ માસ બાદ નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 1.8 ટકા વધ્યું
એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.
દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બર 2019માં વાર્ષિક ધોરણે 1.8 ટકા વધ્યું છે જે તેના પાછલા માસ-અૉક્ટોબરમાં 3.8 ટકા ઘટયું હતું. ત્રણ મહિનામાં પહેલીવાર નવેમ્બરમાં આઈઆઈપી વધ્યો છે, જે અર્થતંત્રમાં નિરાશા ખંખેરાઈ રહી હોવાનું સૂચવે છે.
23 ઉદ્યોગ સમૂહોમાંથી 13 ઉદ્યોગનો નવેમ્બર 2019માં પાછલા વર્ષના સમાનગાળાની તુલનાએ સકારાત્મક વિકાસ વધ્યો હોવાનું સ્ટેટિસ્ટિક મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
સમીક્ષકોએ વાર્ષિક ધોરણે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 0.6 ટકા ઘટવાની જે ધારણા વ્યક્ત કરી હતી તે ખોટી પુરવાર થઈ છે.
નવેમ્બર 2019માં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિ 2.70 ટકા વધી હતી. 2006થી 2019 દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્પાદનની સરેરાશ 5.77 રહી હતી. કૅર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે આ વિશે કહ્યું કે તળિયેથી વિકાસ શરૂ થયો છે જે આવતા માર્ચ મહિના સુધી એકધારો વધતો જોવાય તેવી શક્યતા છે. માર્ચ 2020 સુધીમાં એકંદર વૃદ્ધિદર ચાર ટકા જેટલો રહેશે. જોકે, કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સનો વિકાસ રૂંધાયેલો રહેશે તે ચિંતાનો વિષય છે, એમ સબનવીસે કહ્યું હતું.
સબનવીસે કહ્યું કે એફએમસીજીએ બે ટકાનો વૃદ્ધિદર નોંધાવીને સારી કામગીરી બજાવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer