મગફળીનાં ઉચ્ચતમ ઉત્પાદનમાં પણ નાફેડની ખરીદી સાવ ઢીલી

ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાંથી થયેલી ખરીદીનો આંકડો આ વર્ષે આખા દેશની ખરીદીનો પણ થતો નથી !
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 જાન્યુ.
ગુજરાત સહિત દેશભરમાં મગફળીનું ઉચ્ચતમ ઉત્પાદન થવા છતાં આ વર્ષે નાફેડને મગફળીની ખરીદીમાં તકલીફ પડી રહી છે. કારણકે આખા દેશમાંથી નાફેડને હજુ સુધી 5.33 લાખ ટન મગફળી જ મળી શકી છે. પાછલાં બે-ત્રણ વર્ષથી માત્ર ગુજરાતમાંથી નાફેડને છ લાખ ટન કરતાં વધારે મગફળી સહેલાઇથી મળી રહી છે. એ જોતાં આ વર્ષે ખરીદીનો આંકડો ઘણો નબળો છે.
નાફેડે રજૂ કરેલા ખરીદીના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાંથી લાભપાંચમથી ખરીદી શરૂ કરાયા પછી અત્યાર સુધીમાં 3,88,649 ટન મગફળી મળી છે. ખરીદી માટે ગુજરાતમાં 1,89,739 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જોકે ઓછી સંખ્યામાં ખેડૂતો વેંચવા માટે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં રૂા. 1993 કરોડની ખરીદી થઇ છે, એમાંથી રૂા. 1028 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાંથી 1,44,284 ટન, આંધ્રપ્રદેશમાંથી 16,648 ટન અને ઉત્તર પ્રદેશમાંથી 699 ટનની ખરીદી નાફેડ દ્વારા કરાઇ છે. ગુજરાતનો આંકડો પણ ઘણો કંગાળ છે. કારણકે ગુજરાતમાં 32 લાખ ટન જેટલી મગફળી પાકવાનો અંદાજ છે. પાકના અંદાજ પ્રમાણે સરકારે 25 ટકા પ્રમાણે મહત્તમ 8 લાખ ટન મગફળી ખરીદવી જોઇએ પરંતુ ફેબ્રુઆરી આવી જશે તો પણ નાફેડ ઉક્ત આંકડા સુધી પહોંચી શકે તેમ દેખાતું નથી.
દેશમાં મગફળીનું ઉત્પાદન 70 લાખ ટન થવાનું છે. એમાંથી ગુજરાતને ઉમેરતા ઓછામાં ઓછી 12 લાખ ટન મગફળી ખરીદવી જોઇએ પણ હવે ખરીદી પૂર્ણ કરવાનો સમય નજીક છે ત્યારે હવે 10 લાખ ટન સુધી પણ ખરીદી માંડ માંડ પહોંચશે.
મગફળીની આવક સૌરાષ્ટ્રભરમાં 50-60 હજાર ગૂણીની આસપાસ પહોંચી ગઇ છે. ખેડૂતો હવે સારી ગુણવત્તાવાળી મગફળી બિયારણ માટે સ્ટોકમાં રાખી રહ્યા છે.
 ખેડૂતો નાફેડની તુલનાએ ખુલ્લા બજારમાં મગફળી વેંચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કિસાન સંધના આગેવાનો કહે છે, ઝીણી મગફળીનો ભાવ રૂા. 900-1050 અને જાડીનો ભાવ રૂા.840-1007 ચાલે છે.  જોકે રૂા. 1000ની ઉપર આવકના પાંચેક ટકા મગફળી જ વેંચાય છે. ખેડૂતોને ઓછો ભાવ મળે છે પણ ખરીદી જે ગતિએ ચાલી રહી છે એ જોતાં ખેડૂતો યાર્ડમાં વધુ સંખ્યામાં આવે છે.
નાફેડનાં ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને ખૂબ ઓછા પ્રમાણમાં વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા છે. ગુણવત્તા મુદ્દે સમસ્યાઓ હજુ થાય છે. એ ઉપરાંત વેચાણ પછી પેમેન્ટ પણ 20-25 દિવસે ખાતામાં જમા થતા હોવાથી ખેડૂતો કંટાળ્યા છે. માર્કેટ યાર્ડોમાં થોડા ઓછા ભાવે પણ રોકડેથી વેંચવાનું એ કારણે જ ખેડૂતો વધુ પસંદ કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer