રાજકોટ-અમદાવાદ પછી વડોદરામાં બીલ્ડરો

ઝવેરીઓ, પેટ્રોલ પંપ માલિકોને નોટિસ 
નોટબંધી વખતે કરેલા કરોડોના વ્યવહારો મુદ્દે નોટિસો પાઠવાતાં ફફડાટ 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 21 જાન્યુ. 
રાજકોટમાં ગયા અઠવાડિયે ઝવેરીઓ અને બીલ્ડરોને ત્યાં નોટિસ પાઠવીને તપાસ ચલાવ્યા પછી આયકર વિભાગ વડોદરામાં સક્રિય થયો છે. વડોદરાના કુલ 21 જેટલા મોટાં કરદાતાઓને ડિમાન્ડ નોટિસ વિભાગ દ્વારા ફટકારવામાં આવી છે. નોટિસ પ્રમાણે ટૅક્સનો કુલ આંકડો રૂા. 300 કરોડ આસપાસ થવા જાય છે. 
વડોદરાના 21 મોટા કરદાતાઓને ડિમાન્ડ નોટિસ આવકવેરા વિભાગ દ્વારા ગઇકાલે ફટકારવામાં આવી છે. નોટબંધી સમયે જવેલર્સ, પેટ્રોલ પંપ માલિકો અને રેસ્ટોરા સંચાલકોએ મોટી રકમ બૅન્કમાં જમા કરાવી હતી તેને ધ્યાનમાં લઇને ટૅક્સની માગણી કરાઇ છે. 
રાજકોટ અને અમદાવાદમાં પણ અનેક લોકોને આવકવેરા વિભાગ દ્વારા ગત સપ્તાહે નોટિસ ફટકારવામાં આવી હતી અને ખાસ કરીને જ્વેલર્સ ઉપર આ તવાઈ હતી. વડોદરામાં દામોદર જ્વેલર્સના માલિકને 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારાઇ છે અને એક નામી બીલ્ડરને 21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારાઇ છે. નોટબંધી સમયે કાળાં નાણાંને સગેવગે કરવા માટે લોકોએ મોટા પ્રમાણમાં સોનુ ખરીદી લીધું હતું અને જ્વેલર્સ દ્વારા તે રકમ બૅન્કમાં જમા કરવામાં આવી હતી . કેટલાકે મિલકતો ખરીદી હતી. તેનો ઉલ્લેખ આવાકવેરા વિભાગના ફોર્મમાં ક્યાંય દેખાડવામાં આવ્યો ન હતો એટલે તેના આધારે ટૅક્સ માગવામાં આવી રહ્યો છે. 
આવકવેરા વિભાગે આ તમામને નોટિસ આપીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે અને જવાબ નહીં અપાય તો આગામી દિવસોમાં પગલાં પણ ભરવામાં આવશે. અત્યારે તો વડોદરામાં માત્ર 21 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં હજુ અનેક લોકોને નોટિસ મળે તેમ છે એટલે હાલ જે 300 કરોડનો આંકડો છે તે અનેક ગણો થઇ જશે. 
વડોદરામાં ખાસ કરીને જ્વેલર્સ, બીલ્ડર્સ, રેસ્ટોરન્ટના માલિકો અને અમુક ડૉક્ટર રડારમાં છે. આખા ગુજરાતમાં ઓછાંમાં ઓછાં 1500 લોકોને નોટિસ અપાઈ ચૂકી છે અને હજુ અનેક લોકોને નોટિસ આપવા માટે તખતો ઘડાય રહ્યો છે. 
નોટબંધી લાગુ થઇ ત્યારે અબજો રૂપિયાના રોકાણો સોનું, રિયલ એસ્ટેટ અને રેસ્ટોરન્ટ ચેઇનમાં કરવામાં આવ્યા હતા અને તેની જાણ આવકવેરા વિભાગને થઈ ગઈ હતી. હવે વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
આવકવેરા ખાતાના જાણકારો તો ત્યાં સુધી કહે છે કે આખા ગુજરાતમાં કુલ રૂા. 3000 કરોડના બોગસ વ્યવહારો નોટબંધી દરમિયાન સામે આવ્યા છે અને હજુ તપાસ ચાલુ છે. ગુજરાતના જ્વેલર્સ તો કાનૂની રહે નોટિસ મળી છે તેનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ જો આવકવેરા વિભાગને પડકારવામાં આવે તો નિયમ પ્રમાણે 20% રકમ એડવાન્સ ભરવી પડે. એ આંકડો ય મોટો થાય છે એટલે દ્વીધા સર્જાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer