આઈવરી કોસ્ટમાં અસ્થિરતાથી કૉકૉમાં ઉછાળો

ન્યૂ યોર્ક, તા. 21 જાન્યુ.:
વિશ્વમાં કૉકૉના ટોચના ઉત્પાદક દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાતા ન્યૂ યોર્કમાં કૉકૉ વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો છે.
ફ્રાન્સના પશ્ચિમ આફ્રિકામાં આવેલા ભૂતપૂર્વ સંસ્થાનના પ્રમુખ અલાસેન કટારાએ કહ્યું છે કે અૉક્ટોબરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી અગાઉ તેઓ બંધારણ બદલી નાખવા ઈચ્છે છે. બંધારણને વધુ સુગ્રથિત અને એકસૂત્રી બનાવવા માટે તેમાં ફેરફાર કરાશે એવું તેમણે વિદેશી રાજદૂતોને કહ્યું હતું, પરંતુ પ્રસ્તુત ફેરફારોની વિગતો આપી ન હતી.
આ અગાઉ ડિસેમ્બરના અંતમાં કટારાએ વિરોધપક્ષના પ્રમુખપદના ઉમેદવાર ગિલોમ મોરો દેશમાં બળવો કરાવવાની તૈયારીમાં હોવાનો આરોપ કરીને તેમની ધરપકડનું વોરંટ કાઢયું હતું.  આઈવરી કોસ્ટમાં 2010ની ચૂંટણીમાં તત્કાલીન પ્રમુખ લોન્સ બાગબોએ ચૂંટણી હારી ગયા છતાં અલાસેન કટારાને સત્તા સોંપવાની ના પાડી ત્યારે ત્યાં આંતરવિગ્રહનાં બીજ રોપાયાં હતાં.
તંગદિલીને પગલે કૉકૉની નિકાસ પર પ્રતિબંધ આવતા તેના ભાવ ઊંચકાઈ ગયા હતા.
`બજારનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત છે. ઘણો બધો માલ બહાર આવવા તૈયાર છે,' એમ શિકાગોની એક બ્રોકિંગ ફર્મના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ન્યૂ યોર્કમાં કૉકૉ માર્ચ વાયદાના ભાવ છેલ્લા પંદર દિવસમાં 10.3 ટકા વધીને ટનદીઠ 2653 ડૉલર થઈ ગયા છે. લંડનમાં કૉકૉ માર્ચ વાયદો 1781 પાઉન્ડથી વધીને 1965 પાઉન્ડ થઈ ગયો છે.
2019માં કૉકૉના ભાવ લગભગ આખું વર્ષ સ્થિર રહ્યા હતા, પરંતુ વર્ષના અંતે આઈવરી કોસ્ટની રાજકીય અસ્થિરતાથી તેનામાં તેજીનો કરન્ટ આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer