ફ્લૅટનો કબજો મેળવ્યા પછી માલિકો દ્વારા કરવામાં આવતા ફેરફારો

મહારેરાને આર્કિટેક્ટની જવાબદારી સ્પષ્ટ કરવા સૂચનો મોકલવામાં આવશે  
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 21 જાન્યુ.
ફ્લેટનો કબજો મેળવ્યા બાદ તેમાં કોઈ પ્રકારની ખામીઓ રહી હોય તેમાં આર્કિટેક્ટની ડિફેકટ લાયબિલિટી પાંચ વર્ષ સુધીની હોય છે. માલિકોએ આ જોગવાઇઓનો લાભ લેવો હોય તેમણે તો ક્યાં પગલાં લેવા જોઈએ અને શું નહીં કરવું જોઈએ તે વિશેના સૂચનો આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ ઍન્ડ ટાઉનપ્લાનર્સ ઍસોસિયેશન (ઇન્ડિયા) મહારેરાને મોકલશે જેથી આર્કિટેક્ટની જવાબદારી સ્પષ્ટ થાય અને ફ્લેટ માલિકોમાં શિસ્ત કેળવાય.  
મહારેરાના પ્રમુખ ગૌતમ ચેટરજીની હાજરીમાં ઍસોસિયેશન (ઇન્ડિયા)ની તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી માટિંગમાં આ નિર્ણય લેવામાં  આવ્યો હતો. 
રેરાની કેટલીક જોગવાઇઓનો અમલ કરવામાં નડતી મુશ્કેલીઓની રજુઆત કરતા ઍસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ શિરીષ સુખતામહણેએ એક ઉદાહરણ આપતા કહ્યું કે ફ્લેટનો જે સ્થિતિમાં કબજો માલિકોને આપવામાં આવે તે પછી તેઓ પોતાની મેળે જે ફેરકાર કરે તેના કારણે આર્કિટેક્ટની, ખાસ કરીને પાંચ વર્ષ સુધીની ખામીઓને લગતી, જવાબદારી સંકુલ બની જાય છે.  
સુખતામહણેની આ રજૂઆતના ઉત્તરમાં ચેટરજીએ કહ્યું કે રેરાના કાયદાને ગ્રાહકલક્ષી બનાવવા માટે મારી અપેક્ષા છે કે  વ્યાવસાયિકો તેના અમલમાં નડતી મુશ્કેલીઓ સમજે અને તેઓ જ તેનો ઉકેલ સૂચવે. 
ઍસોસિયેશનના પ્રમુખ દિલીપ સંઘવીએ આવકાર આપ્યો તે પછી સીએ તરુણ ઘીયાએ તેમના પ્રવચનમાં કહ્યું કે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાવ હજી વધુ ઘટે તેવી શક્યતા છે. મંદીમાંથી પસાર થઇ રહેલી રિયલ એસ્ટેટ માર્કેટને સહાય કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં કેટલાંક પગલાં વિરોધાભાસી છે. તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં રિડેવલપમેન્ટ કરવું શક્ય નથી ત્યારે રહેવાસીઓ પોતાની મેળે જ ડેવલપમેન્ટ (સેલ્ફ ડેવલપમેન્ટ) કરે તે વિકલ્પ બચ્યો છે, પરંતુ આ માર્ગ અપનાવવામાં કરાતા દસ્તાવેજોમાં મુખ્ય ખેલાડીઓની જવાબદારી નક્કી થાય તે જરૂરી છે. આ ઉદ્યોગમાં બૅન્કો અને એનબીએફસી ક્ષેત્રનું ધિરાણ ઘટી રહ્યું છે ત્યારે પ્રાઇવેટ ઇકિવટી અને સંયુક્ત સાહસો દ્વારા આવતા ભંડોળનું પ્રમાણ વધ્યું છે. આ તબક્કે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ ભંડોળ આપનારા પ્રાઇવેટ ઇકિવટી ઇન્વેસ્ટર્સને ટેક્નિકલી ભલે પ્રમોટર્સના સમૂહમાં ગણવામાં આવે પણ વાસ્તવમાં તેઓ પ્રોજેક્ટના અમલની સાથે જોડાયેલી જવાબદારીમાં હિસ્સેદાર બનતા નથી. તેથી મહારેરાએ આ બાબતમાં વાસ્તવિક અભિગમ અપનાવવો જોઈએ, એમ ઘીયાએ કહ્યું હતું.
રેરા સર્ટિફિકેટ આપવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની જવાબદારી વિષે ઘીયાએ કહ્યું કે રેરાના ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવતા હોવાથી રેરા પ્રોજેક્ટના અમલમાં વપરાતા ભંડોળ બાબત  સીએની જવાબદારી વધી જાય છે. કાયદાની જોગવાઈ પ્રમાણે સીએ, એન્જિનિયર અને આર્કિટેક્ટના સર્ટિફિકેટની જરૂર હોય છે ત્યારે  સીએને  પોતાનું સર્ટિફિકેટ આપવા માટે આર્કિટેક્ટ અને એન્જિનિયરના સર્ટિફિકેટ ઉપર આધાર રાખવાની છૂટ છે. 
ચેટરજીએ આ માટિંગમાં પ્રસ્તુત તમામ સૂચનો ઉપર વિચારણા કરવાની બાંહેધરી આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer