વૈશ્વિક સોનું ઊંચકાઇને ફરી તૂટયું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 જાન્યુ.
ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1568 ડૉલરની બે અઠવાડિયાની ઊંચાઇ ઉપર ગયા પછી ફરી ઘટીને 1555 થઇ ગયો હતો. ચીનમાં નવો કોરોના વાઇરસ ફેલાયો છે. એનાથી વ્યાપક મહામારી સર્જાશે તેવી આશંકા જન્મતા એશિયન શૅરબજારોમાં અચાનક ભારે વેચવાલી આવી હતી અને સોનું ખરીદાયું હતું. જોકે, જોખમ સામેની ખરીદી ખાસ ન થતા તેજીવાળાનો ઉન્માદ હળવો પડી ગયો હતો. લૂનાર નવું વર્ષ હવે આવી રહ્યું છે તેવા સમયે ચીનના વધુ શહેરોમાં વાઇરસ ફેલાતા ચિંતા વધી છે.
દરમિયાન ચીનમાં સોનાનો વપરાશ પાછલા ત્રણ વર્ષમાં સૌપ્રથમ વખત ઘટીને 2019માં 1002.78 ટન રહ્યો હોવાનું ચાઇના ગોલ્ડ ઍસોસિયેશને કહ્યું હતું. પાછલા વર્ષથી વપરાશમાં લગભગ 13 ટકા જેટલો ઘટાડો થયો છે.
ચીનમાં મંદીના ઓછાયાં ઉપરાંત કિંમતી ધાતુનો ભાવ રેકર્ડ ઊંચાઇએ ચાલી રહ્યો હોવાને લીધે માગમાં ફરક પડી ગયો છે.  ઝવેરાતનો વપરાશ 8 ટકા ઘટીને 676.23 ટન હતો. સિક્કાકે લગડીનો વપરાશ 26 ટકા તૂટીને 225.80 ટનનો રહ્યો હતો.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનું 10 ગ્રામે રૂા.40500ના મથાળે સ્થિર હતુ. મુંબઈમાં રૂા. 98 ઘટતા રૂા. 40014 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 17.97 ડૉલર હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 300 તૂટી રૂા. 46700 અને મુંબઈમાં રૂા.230 ઘટતા રૂા.46410 હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer