ભારતના પ્રતિબંધ સામે મલેશિયા કોઈ પગલાં નહીં લે

લાંગ્કાવી, મલેશિયા, તા. 21 જાન્યુ.
મલેશિયાના વડા પ્રધાન મહાથીર મોહમ્મદે જણાવ્યું છે કે ભારત સાથે ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભારતે મલેશિયા પાસેથી પામતેલની ખરીદીનો બહિષ્કાર કર્યો છે, પરંતુ મલેશિયા એનો કોઈ પ્રતિકારાત્મક જવાબ નહીં વાળે. વિશ્વભરમાં ભારત, ખાદ્યતેલનો સૌથી મોટો ગ્રાહક છે અને મલેશિયા વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. મલેશિયાના વડા પ્રધાન મહાથીરે ભારતની આંતરિક નીતિઓ વિશે ટિપ્પણી કરતાં આ મહિનાથી ભારતે તેની આયાત અટકાવી દીધી છે. 
મહાથીરે જણાવ્યું કે પ્રતીકાત્મક પગલાં લેવા માટે ભારત સામે અમારો દેશ ઘણો નાનો છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે અમારે કોઈ માર્ગ શોધવો પડશે.
મુસ્લિમ બહુલક દેશ મલેશિયાના 94 વર્ષના વડા મહાથીરે ભારત સરકારના નવા નાગરિક કાયદાની ટીકા કરીને ભારતે કાશ્મીર ઉપર હુમલો કર્યાનો આક્ષેપ પણ કર્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં મહાથીરે ફરી ભારતના નાગરિક કાયદાની આલોચના કરતાં કહ્યું કે તેઓ આ કાયદાને ઘોર અન્યાય માને છે.
છેલ્લાં પાંચ વર્ષથી ભારત મલેશિયાના પામતેલના બજારનો સૌથી મોટો ગ્રાહક રહ્યો હોવાથી હવે મલેશિયા સામે પામતેલ માટે નવા ગ્રાહકો શોધવાનો મોટો પડકાર છે. ગયા અઠવાડિયે મલેશિયાના પામ વાયદા 10 ટકા તૂટયા હતા, જે 11 વર્ષ કરતાંય વધુ સમયનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. વિવાદાસ્પદ ભારતીય ઈસ્લામિક ધર્મપ્રચારક ઝાકીર નાઇકને આપેલું પર્મેનન્ટ રેસિડેન્ટનું સ્ટેટસ પાછું ખેંચવાનો પણ મલેશિયાએ ઈનકાર કર્યો છે. ઝાકીર છેલ્લાં ત્રણ વર્ષથી મલેશિયામાં રહે છે અને ભારતમાં તેની સામે મની લોન્ડરિંગ અને દેશદ્રોહી વચનો બોલવાના આરોપ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer