અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ હળવો થતાં

બાસમતી ચોખાના ભાવ ફરી તેજીતરફી
ચંડીગઢ, તા. 21 જાન્યુ.
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હળવો બનતાં ગયા સપ્તાહે બાસમતી ચોખાના હાજરના ભાવમાં બે ટકા કરતાં વધુ વધારો જોવા મળ્યો હતો. ઈરાન, ભારતના ચોખાની આ પ્રિમિયમ વેરાયટીનો સૌથી મોટો ગ્રાહક છે.
આઈસીઈએક્સના ડેટા પ્રમાણે જાન્યુઆરીના બીજા શુક્રવારે બાસમતી ચોખાના હાજર ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 3229 નોંધાયા હતા. 
અમેરિકાના કૃષિ વિભાગે ચોખાનું ઉત્પાદન ઘટયું હોવાનું અનુમાન જાહેર કરતાં તેમજ આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને પગલે બાસમતીના ભાવમાં રિકવરી જોઈ શકાઈ હોવાનું વિશ્લેષકો માને છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે પેમેન્ટ વધુ મોડું ચૂકવાશે તેવા ભયથી નિકાસકારોએ નિકાસ અટકાવી રાખી હોવાથી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં બાસમતી ચોખાના ભાવ હાજર બજારમાં છથી આઠ ટકા તૂટયા હતા.
ઈરાન-અમેરિકાના તણાવને કારણે ગલ્ફના દેશોને મોટા પ્રમાણમાં નિકાસ કરાતાં પાર બોઇલ્ડ બાસમતી ચોખાના હાજર બજારના ભાવ પ્રતિ કિલો રૂા. 54-55થી ઘટીને રૂા. 51 થયા હતા. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સ્પોર્ટર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિજય સેઠિયાએ કહ્યું કે ઈરાનનાં ચૂકવણાં અચોક્કસ મુદત સુધી વિલંબ મુકાય તેવી સંભાવનાને કારણે ભારતીય નિકાસકારો બાસમતી ચોખાની નિકાસ કરતાં અચકાતા હોવાથી ભાવ ગગડયા હતા.
કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે 2019-20ની ખરીફ સિઝનમાં કમોસમી વરસાદને કારણે ભાવને ટેકો મળ્યો હતો અને તે પછી ચોખાનું ઉત્પાદન 12 ટકા ઘટીને નવ કરોડ ટન થવાનું અનુમાન જાહેર થયું હતું. ઉપરાંત નવેમ્બર, 2019માં વરસાદ ચાલુ રહેતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને દેશનાં 15 રાજ્યોના ડાંગર સહિતના ખરીફ પાકોને નુકસાન થયું હતું.  સરકાર ચોખાના ટેકાના ભાવ વધારવાનું વિચારી રહી હોવાથી આ સિઝનમાં ભાવને વધુ ટેકો મળે તેવી ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer