નવા પાકની આવકો માટે જગ્યા કરવા

ઘઉં અને ચોખાના રિઝર્વ ભાવ ઘટાડયા
નવી દિલ્હી, તા. 21 જાન્યુ.
સરકારે નવા પાકની આવકો માટે ગોદામોમાં જગ્યા કરવા ઘઉં અને ચોખાના રિઝર્વ ભાવ ઘટાડયા છે. ફૂડ કોર્પોરેશન અૉફ ઇન્ડિયા (એફસીઆઈ) પાસે હાલમાં બફર સ્ટોક અંગેના નિયમો કરતાં અઢી ગણો વધુ સ્ટોક પડયો છે. જોકે, આ વિલંબથી લેવાયેલા નિર્ણયનો કોઈ ફાયદો એફસીઆઈને થાય તેમ જણાતું નથી. કેમકે, નવા પાકની ખરીદી એપ્રિલથી શરૂ થશે, જેના માટે એજન્સીને 3.5 કરોડ ટન માલ સંગ્રહવાની જગ્યા જોઈશે.
છેલ્લા સત્તાવાર આંકડા મુજબ એફસીઆઈ પાસે 5.65 કરોડ ટન ચોખા અને ઘઉંનો અનામત જથ્થો પડયો રહ્યો છે. આ ઉપરાંત, પહેલી જાન્યુઆરીના રોજના આંકડા મુજબ 2.14 કરોડ ટનના બફર નિયમ સામે 2.79 કરોડ ટન ડાંગરનો સ્ટોક પડયો રહ્યો છે. એજન્સી પાસે ભાડાની જગ્યાઓ સહિત સ્ટોરેજની કુલ ક્ષમતા 7.6 કરોડ ટન છે.
સ્ટોરેજની સમસ્યા ઉપરાંત અનાજના વધુ પડતા જથ્થાને કારણે એફસીઆઈ ઉપર મોટો નાણાંકીય બોજો છે. ડાંગરને ચોખામાં ફેરવ્યા બાદ કુલ સરપ્લસ સ્ટોક (આશરે 5.4 કરોડ ટન)નું મૂલ્ય - પડતર કિંમત રૂા. 1.73 લાખ કરોડ થાય છે. જોકે, સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ પડતર કિંમત કરતાં નીચા ભાવે અનાજ વેચી રહી છે. આ નાણાં વર્ષે ઘઉંની પડતર કિંમત ક્વિન્ટલ દીઠ રૂા. 2505.67 અને ચોખાની પડતર કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂા. 3606.91 થાય છે.
સતત ત્રણ વર્ષથી નાણાં ભીડનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે એફસીઆઈને સોવરેઇન ગેરન્ટી હેઠળ નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ્સ (એનએસએસએફ) પાસેથી લોન લેવાની ફરજ પાડીને કોર્પોરેશનના કામકાજ નિર્વિઘ્ને ચાલુ રાખ્યાં છે, પરંતુ હવે એફસીઆઈને ચૂકવવાનું થતું કેન્દ્ર સરકારનું દેવું વિક્રમી રૂા. 1.95 લાખ કરોડની ટોચે પહોંચ્યું છે અને બીજી તરફ, એફસીઆઈએ એનએસએસએફ પાસેથી વધુને વધુ ધિરાણો મેળવવાનું ચાલુ જ રાખ્યું છે.
ઓએમએસએસ હેઠળ ચોખાના રિઝર્વ ભાવ અગાઉના પ્રતિ ક્વિન્ટલ રૂા. 2785થી ઘટીને રૂા. 2250 કરાયા છે, જ્યારે ઘઉંના રિઝર્વ ભાવ સરેરાશ યોગ્ય ગુણવત્તા માટે ઘટાડીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 2135 અને નબળી ગુણવત્તા માટે રૂા. 2080 કરાયા છે. જાન્યુઆરીથી માર્ચ, 2019-20 માટે બેન્ચમાર્ક ભાવ રૂા. 2245 હતો.
ગયા વર્ષે એપ્રિલમાં ઓએમએસએસ યોજના જાહેર થઈ ત્યારે સરકારે ઘઉંના રિઝર્વ ભાવ પ્રત્યેક ત્રિમાસિક માટે જાહેર કરવાનું નક્કી કર્યું હતું. તેનો ઉદ્દેશ લઘુતમ નુકસાને એક કરોડ ટન ઘઉં વેચવાનો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ યોજના હેઠળ ફક્ત 17 લાખ ટન ઘઉં વેચી શકી છે. ચોખાનું વેચાણ સમગ્ર વર્ષ માટે 50 લાખ ટનના લક્ષ્યાંક સામે 6.16 લાખ ટન જેટલું નબળું રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer