રિફાઈન્ડ પામતેલનાં કન્ટેનર્સ કંડલા સહિતનાં બંદરો ઉપર અટવાયાં

કુઆલાલમ્પુર, મુંબઈ, તા. 21 જાન્યુ.
મલેશિયા સાથેની રાજકીય ગરમાગરમીને પગલે ભારતનાં કંડલા, મૅંગ્લોર અને કોલકત્તા સહિતનાં વિવિધ બંદરો ઉપર હજારો ટન રિફાઈન્ડ પામતેલ ભરેલાં કાર્ગો વિલંબમાં મૂકાયાં છે અથવા અટવાઈ પડયાં છે. આઠમી જાન્યુઆરીએ ભારતે મલેશિયાથી રિફાઈન્ડ પામતેલની આયાત ઉપર નિયંત્રણો લાદ્યાં છે. આ માટે દેશનાં રિફાઈનર્સ પ્લાન્ટ્સનો મહત્તમ ઉપયોગ કરી શકે એ કારણ જણાવાયું છે. જોકે, સાબુથી માંડીને કૂકિઝ સુધીનાં ખાદ્યતેલનો ઉપયોગ ધરાવતાં તમામ ઉત્પાદનો માટે ખાદ્યતેલનો લગભગ સંપૂર્ણ પુરવઠો મેળવવા માટે ભારત આયાત ઉપર નિર્ભર છે.
પરંતુ ભારતે ઈન્ડોનેશિયાથી આયાત વધારી હોવા છતાં ખાદ્યતેલનું ઉત્પાદન કરતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ - મલેશિયાએ સ્વ-પ્રચારની માયાજાળમાં ફસાઈને હજુયે ભારતના આંતરિક મામલે નિવેદનો ચાલુ રાખ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારત તેનો સૌથી મોટો ગ્રાહક છે અને રાજકીય ઘટનાક્રમને પગલે ભારતનાં વિવિધ બંદરો ઉપર 30,000 ટન માલ અટવાઈ પડયો હોવાનું મુંબઈના ખાદ્યતેલના એક ડીલરે જણાવ્યું છે. આ જહાજો ભારત સરકારે રિફાઈન્ડ પામતેલની આયાત ઉપર પ્રતિબંધ લાદ્યા પહેલાં નીકળી ચૂક્યાં હતાં. સામાન્ય રીતે કસ્ટમ્સ અધિકારીઓ નિયમમાં ફેરફારની જાહેરાત પહેલાં નીકળી ચૂકેલાં જહાજોને બંદરે માલ ઠાલવવાની પરવાનગી આપે છે, પરંતુ રિફાઈન્ડ પામતેલના કિસ્સામાં થોડી ગુંચવણ હોવાથી માલ ઠાલવવાનું વિલંબમાં મુકાયું છે.
અન્ય એક આયાતકારે જણાવ્યું કે કેટલાંક જહાજ કોલકતા બંદરે અટવાઈ ગયાં છે. એક જહાજ મૅંગલોર બંદરે છે, જેમાંથી ક્રૂડ પામતેલનો માલ ભારતમાં ઉતારી લેવાયો, પરંતુ રિફાઈન્ડ તેલ માટે મંજૂરી મળી નથી. રિફાઈન્ડ પામતેલ મલેશિયા અને ઈન્ડોનેશિયા બંને દેશોમાંથી આવેલું છે.
મલેશિયા અને ઈન્ડોનેશિયામાં કામકાજ ધરાવતી વિશ્વભરમાં જમીનની દૃષ્ટિએ પામતેલની સૌથી મોટી પ્લાન્ટર મલેશિયાની કંપની સાઈમ ડાર્બી પ્લાન્ટેશને ગયા વર્ષે ભારતને 4.36 લાખ ટન રિફાઈન્ડ પામતેલ નિકાસ કર્યું હતું. તેણે જણાવ્યું છે કે તેનાં કોઈ કાર્ગો અટવાયાં નથી.
ઇન્ડિયન વેજિટેબલ અૉઈલ પ્રોડયુસર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ સુધાકર દેસાઈએ જણાવ્યું કે રિફાઈન્ડ પામતેલની આયાત ઉપર પ્રતિબંધ મુકાયા પહેલાં આવી પહોંચેલા તમામ કાર્ગોમાંથી માલ ઉતારી લેવાયો છે, પરંતુ પ્રતિબંધ બાદ કોઈ કાર્ગોને માલ ઠાલવવાની મંજૂરી અપાઈ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer