ગમે એટલો વિરોધ કરો સીએએ પાછો નહીં જ ખેંચાય : અમિત શાહ

પીટીઆઈ
લખનઊ, તા. 21 જાન્યુ.
નાગરિકતા સુધારા કાયદો (સીએએ) પાછો ખેંચાશે નહીં, એવી સ્પષ્ટતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી છે. આનો દેશભરમાં વિરોધ જાગ્યા પછી ભાજપને જાગૃતિ ઝુંબેશ શરૂ કરવાની ફરજ પડી છે.
ઉત્તર પ્રદેશમાં લખનઊમાં રૅલીને સંબોધતાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે કૉંગ્રેસનું કથન અને કાર્યવાહી દેશને વિભાજિત કરી રહી છે. અમિત શાહે તેમના વક્તવ્યમાં કૉંગ્રેસના રાહુલ ગાંધીની, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની તેમ જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની ભારે ટીકા કરી હતી.
સીએએ વિરોધી પક્ષો ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આથી ભાજપે જનજાગરણ અભિયાન શરૂ કર્યું છે. આ જાહેર જાગૃતિ ઝુંબેશ છે એમ અમિત શાહે જણાવ્યું હતું.
પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમોને સરકારે નાગરિકતા આપી છે, એમ અમિત શાહે જણાવ્યું હતું.
પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સીએએ હેઠળ કોઈની પણ કોઈ પણ ઠેકાણેથી નાગરિકતા છીનવી લઈ શકાતી નથી.
મેં લોકસભામાં આ બિલ રજૂ કર્યું છે. વિરોધ પક્ષોએ જાહેરમાં આની ચર્ચા કરવી જોઈએ, એમ અમિત શાહે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer