ટેક્સ્ટાઈલ મશીનરીનું ઉત્પાદન સુરતમાં શરૂ કરવાના પ્રયાસો

ટેક્સ્ટાઈલ મશીનરીનું ઉત્પાદન સુરતમાં શરૂ કરવાના પ્રયાસો
24થી 27 જાન્યુ.એ મશીનરી માટેનું ખાસ પ્રદર્શન ઉદ્યોગ-2020 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 જાન્યુ.
સુરતમાં કાપડનું ઉત્પાદન લેવા માટેની અત્યાધુનિક મશીનરી માટે ચીન, કોરિયા, જર્મની, જપાન સહિતનાં દેશો પર આધાર રાખવો પડે છે. હરિફાઇમાં હવે ટેક્સ્ટાઇલ મશીનરી ભારતમાં બને તે આવશ્યક છે. એ દિશામાં જાગૃતિ અર્થે દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ-2020 પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેનાથી ઘરઆંગણે ઉત્પાદન લેવા માટે નવી દિશા મળશે.
આગામી 24થી 27 જાન્યુઆરી સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આયોજિત ઉદ્યોગ-2020 પ્રદર્શનમાં 250થી વધુ સ્ટોલ રહેશે, જેમાં ટેક્સ્ટાઈલ મશીનરી, ટેક્સ્ટાઈલ એન્સિલરી-એન્જિનિયરિંગ, રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક, ઈલેકટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ, અૉટોમોબાઈલ એન્સિલરી, પ્લાસ્ટિક પ્રોડક્ટ, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી તથા પ્રિન્ટિંગ-પબ્લિશિંગ મશીનરીનાં ઉત્પાદકો પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, વાપી સહિતનાં શહેરોનાં સાહસિકો ભાગ લેશે.
ચેમ્બરની એક્ઝિબિશન કમિટીનાં ચૅરમૅન દેવેશ પટેલ કહે છે કે, તાજેતરમાં ં કાપડપ્રધાન સ્મૃતિ ઈરાની સાથેની ટૂંકા સંવાદમાં સુરતમાંથી ટેક્સ્ટાઈલ મશીનરીનાં ઉત્પાદન લેવા માટે કઈ રીતે આગળ વધી શકાય તેવી ચર્ચા થઈ હતી. એ દિશામાં અમે કાર્યવાહી આરંભી છે. સુરત અને આજુબાજુનાં વિસ્તારમાં ટેક્સ્ટાઈલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનૉલૉજીની મશીનરીનું ઉત્પાદન લેવા માટે ક્યાં મુશ્કેલી આવે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનાર સાહસિકો સાથેનાં સંવાદનાં માધ્યમથી જાણી શકાશે.  
હાલમાં સુરતમાં લુમ્સનાં ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે, ટીએફઓનાં મોટા ઉત્પાદકો પાંચ અને સાત નાના ઉત્પાદકો છે. ટેક્સુરાઈઝિંગનાં પાંચ, સ્પિલિટિંગ મશીનનાં પાંચ, યાર્ન-ડાઈંગ મશીનનાં પાંચ ઉત્પાદકો છે. નાના મશીનરી ઉત્પાદક ક્ષેત્રને બહોળું કરવાની આવશ્યકતા છે. 
તેમણે ઉમેર્યુ હતું કે, હાલમાં જ ચેમ્બરે સીટમે પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ક્વોલિટી ફેબ્રિકનું ઉત્પાદન લેવા માટે કાપડ ઉત્પાદકો દ્વારા અત્યાધુનિક ટેકનૉલૉજીથી સજ્જ એવી મશીનરીની ડિમાન્ડથી ખ્યાલ આવ્યો છે કે સુરતે કાપડનું ઉત્પાદન લેવા સાથે મશીનરીનું હબ બનાવવાની દિશામાં પ્રયાસો આરંભવા આવશ્યક છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer